પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



બાદશાહની પેઠે શાસન કરતી હતી.”

રાજસિંહાસન ઉપર કોઈ નિશ્ચિંત બેસી રહેવા પામતું નથી. દેખીતી રીતે રઝિયા સર્વની સંમતિથી ગાદીએ બેઠી હતી, પણ વાસ્તવિક એક પક્ષ એની વિરુદ્ધમાં પણ હતો. સ્ત્રીજાતિની યોગ્યતા ઉપર વિશ્વાસ ન રાખનાર એક વર્ગ બધા કાળમાં અસ્તિત્વ ધરાવતો રહ્યો છે. એ વર્ગ રઝિયા ગાદી ઉપર બિરાજીને પોતાના ઉપર શાસન ચલાવે એ સાંખી શક્યો નહિ. ધીમે ધીમે તેમની નાખુશીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા માંડ્યું. આ ઉમરાવોએ સૈન્ય એકઠું કરીને પદભ્રષ્ટ થયેલા બાદશાહના વઝીરને તેનો મુખ્ય સેનાધિપતિ બનાવી દિલ્હી પર સવારી કરી. આ લોકોના સૈન્યની આગળ રઝિયાના સૈન્યનો નિભાવ થઈ શક્યો નહિ, પરંતુ જે કાર્ય સૈન્યથી થઈ શક્યું નહિ તે રઝિયાએ પોતાના ચાતુર્યથી કર્યું. પોતાના શત્રુ પૈકી કેટલાક તેના માનીતા છે; એવો ભાસ ઉત્પન્ન કરી તે ઉમરાવોમાં પરસ્પર દ્વેષાગ્નિ સળગાવ્યો. આથી તેઓમાં પરસ્પર ફાટફૂટ થઈ અને તે સર્વે રઝિયાના તાબેદાર થયા. આ લોકો પૈકી જેમના તરફથી વિશેષ ઉપદ્રવ થવાનો સંભવ જણાયો તેને તેણે દેહાંતદંડ કર્યો અને ઈતરને પોતાના સ્વાભાવિક ઔદાર્યથી પોતાના કરી લીધા. આ પ્રકારે તેણે સર્વ રાજ્ય વિદ્રોહનો અંત આણ્યો અને જ્યાં ત્યાં શાંતિ પ્રસારી દીધી.

ત્યાર પછી બે વર્ષ પર્યંત તેનો રાજ્યકારભાર અત્યુત્તમ રીતે ચાલ્યો. રઝિયાનું રાજ્યનીતિચાતુર્ય શ્રેષ્ઠ પ્રતિનું હતું અને અંતસ્થ કારભારમાં પણ તેની દક્ષતા પ્રશંસાપાત્ર હતી. તે નિત્ય સુલતાનનો પોશાક પહેરી દરબારમાં બેસતી. સ્ત્રી જાતિનો પોશાક અને પડદો તેણે ત્યજ્યો હતો. તે પુરુષની પેઠે મસ્તક પર ટોપી પણ ધારણ કરતી હતી. અરજદારોની અરજ તે પોતે સાંભળતી અને કોઈ પણ પ્રકારનો આડપડદો રાખ્યા સિવાય ખુલે મોઢે હાથી પર બેસતી. તે પોતાનાં રાજ્યવ્યવસ્થાનાં કાર્યો અંતઃકરણની લાગણીપૂર્વક અને સદ્‌વિવેકબુદ્ધિપૂર્વક કરતી હતી.

ફિરોજશાહની કારકીર્દિમાં જે અંધાધૂધી પ્રસરી રહી હતી તે સર્વે નિર્મૂળ કરી તેણે સુવ્યવસ્થા સ્થાપી અને ઉત્તમ સુધારા કર્યા. જૂના કાયદાઓ દુરસ્ત કર્યા, મહત્વના મુકદ્દમાઓનો ફેંસલો કર્યો અને એકંદર રીતે રાજ્યવ્યવસ્થાનું કાર્ય એવા ઉત્કૃષ્ટ પ્રકારે કર્યું કે સર્વે જણને આ સ્ત્રી નથી, પરંતુ એકાદ ન્યાયી અને