પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૧
સુલતાના રઝિયાબેગમ



કાર્યકુશળ પાદશાહજ છે એમ લાગ્યું.

અત્યાર સુધી વિવાહ સંબંધી કાંઈ પણ વિચાર તેના મનમાં આવ્યો હોય એમ દેખાતું નથી, તે અલ્પવયસ્ક હતી ત્યારે તેનું સૌંદર્ય જોઈને અનેક પુરુષોના મન તેના પ્રતિ આકર્ષિત થયાં હતાં, પરંતુ આજ પર્યત કોઈને પણ તેણે ઉત્તેજન આપ્યું નહોતું. તે સિંહાસનારૂઢ થઈ ત્યાંસુધી એ બાબતમાં તેના મનની સ્પષ્ટ વલણ કયી તરફ હતું તે કાંઈ જણાતું નથી; પરંતુ તેના મનની આવી સ્થિતિ ઘણી વાર સુધી ટકી નહિ. રઝિયાની પાસે એક હબસી સરદાર ઘોડેસવારોનો નાયક હતો. આ સરદારના પ્રારંભના દિવસો ગુલામગીરીમાં ગયા હતા. તે રૂપમાં સુંદર, ચતુર અને રઝિયા જેવી સ્ત્રીનું મન હરણ કરે એવી યોગ્યતા ધરાવતો હતો; પરંતુ આ હલકા દરજ્જાના માણસ પર રઝિયાનું ચિત્ત ચોંટેલું જોઈ તેના અમીરઉમરાવોને ખોટું લાગ્યું. જ્યારે સુલતાના અશ્વારૂઢ થવાની હોય ત્યારે આ હબસી સરદાર તેને ઊંચકીને બેસાડતો હતો, એ સિવાય તેની સાથે કાંઈ વિશેષ ઘાડો સંબંધ નહોતો. પોતાની ઉજ્જવળ કીર્તિને કલંક લાગે એવું કોઈ પણ કૃત્ય તેના હાથથી થયું નહોતું. સુલતાના રઝિયાના અંગમાં સર્વ સદ્‌ગુણો વાસ કરતા હતા અને તેનું વર્તન સૂક્ષ્મ દૃષ્ટિથી જોનારને દૂષિત લાગતું નહોતું, એમ ફરિશ્તા કહે છે.

સુલતાનાનું મન આ હબસી સરદાર પર ચોટ્યું હતું એ વાત સત્ય છે. વખત જોઈ તેનો દરજ્જો વધારવો અને તેને પોતાનો પતિ કરી બન્નેએ રાજ્યસુખ અનુભવવું એ રઝિયાના મનનો વિચાર સર્વ લોકોને જણાઈ ચૂક્યો હતો, પરંતુ આ પ્રીતિનું પરિણામ સારૂં આવ્યું નહિ. પોતાના પ્રિયકરની યોગ્યતા વધારવા જતાં રઝિયાને પોતાને અનિષ્ટ પરિણામ ભોગવવું પડ્યું. તે સરદારને રઝિયાએ મુખ્ય સેનાપતિ અર્થાત્ અમીરઉમરાવની પદવી આપતાંજ સર્વ સરદારોએ તેની સામે ખુલ્લી રીતે બંડ કર્યું.

અલ્ટુનિયા નામનો તુર્કી સરદાર બંડ કરવાને પ્રથમ પ્રવૃત્ત થયો અને તેણે સૈન્ય એકત્રિત કર્યું. આ વાત સુલતાના રઝિયાના સાંભળવામાં આવી કે તરત જ તે પોતાનું પ્રચંડ સૈન્ય લઈને તેના પર હલ્લો કરવાને ગઈ, પરંતુ માર્ગમાં તેના પોતાનાજ સૈન્યે બંડ કર્યું અને તેના પ્રિયકર પેલા હબસી સેનાપતિને તેની સમક્ષજ ઠાર કર્યો. સૈન્યના આ કૃત્યથી સુલતાના રઝિયાને ઘણો ક્રોધ