પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


અનર્થ કરી રહ્યા છો ! હું પ્રાણ જતા સુધી પ્રાણનાથનો સાથ છોડવાની નથી. સુખમાં તેમની સાથી રહી છું તો આ સંકટના સમયમાં પણ તેમની સાથીજ રહીશ. તમે મને રણક્ષેત્રમાં લઈ જાઓ. ભુવડને પણ જોઈ લેવા દો કે ગુજરાતની રાણી કેવી રીતે તલવાર ચલાવે છે. ભાઈ ! તમે મને રોકશો નહિ. પ્રાણનાથ રણક્ષેત્રમાં ચુદ્ધ કરી રહ્યા છે અને તમે મને પ્રાણ બચાવવા ખાતર નાસી જવાની સલાહ આપી રહ્યા છો, એ કેટલું અનુચિત છે ? જીવન અને મૃત્યુમાં સ્વામીની સહધર્મિણી થવું એજ સ્ત્રીનું પરમ કર્તવ્ય છે. ન કરે નારાયણ ને પતિદેવ વીરશય્યામાં શયન કરશે, તો હું પણ તેમને મારા ખોળામાં લઈને ચિંતામાં આરોહણ કરી ભસ્મરૂપ થઈ જઈશ. આ દેહનું સાર્થક એમાં છે. એથી વિપરીત આચરણ કરવામાં મારી જાતને તથા આપણા વીરકુટુંબની પ્રતિષ્ઠાને કલંક લાગે એમ છે, શૂરપાળ ! આપણા દેશના પ્રાચીન ઈતિહાસો તેં નથી સાંભળ્યા ? સીતા, શૈવ્યા અને દ્રોપદી જેવી સતીઓએ પતિની ખાતર કેટકેટલાં સંકટ વેઠવ્યાં છે, તેનો વિચાર કર. ભાઈ ! તું પણ તારી બહેનને ક્ષાત્રધર્મ બજાવવા રણભૂમિમાં જવા દે.”

શૂરપાળે ઉત્તર આપ્યો “બહેન ! તારૂં કહેવું અક્ષરે અક્ષર સત્ય છે. તારા જેવી કન્યા મારા કુળમાં જન્મ પામ્યાથી મારા કુળનું ગૌરવ વધી ગયું છે, એમ હું માનું છું, ક્ષત્રિયબાળાના મુખમાંથી જે વચનો નીકળવાં જોઈએ તેજ વચનો તારા મોંમાંથી નીકળી રહ્યાં છે. તારા વિચારોની કાંઈક કલ્પના મેં પહેલેથીજ કરી હતી અને એટલા સારૂ મેંજ તારી તરફથી મહારાજા સાથે ઘણો વાદવિવાદ કર્યો હતો, પણ આખરે ઘણો ઊંડો વિચાર કરીને મહારાજાએ મને આજ્ઞા આપી છે કે, મારે તને ગુપ્તપણે કોઈ નિર્ભય સ્થાનમાં મૂકી આવવી. વધારે વિચાર કર્યાથી મને પણ મહારાજાની આજ્ઞા ઉચિત લાગે છે. તું પણ જરા સ્વસ્થ ચિત્તે એ સંબંધી વિચાર કરીશ તો તને જણાશે કે મહારાજાની આજ્ઞા ઘણી દૂરદર્શી અને સમયોચિત છે. સમય અને સ્થિતિને ધ્યાનમાં લઈ, ભવિષ્યનો વિચાર કરી, બુદ્ધિમત્તાથી ચાલવું, એ જ સુશિક્ષિત રજપૂતાણીનું કર્તવ્ય છે.”

ચતુર રૂપસુંદરીના હૃદયમાં ભાઈનો બોધ એકદમ ઊતરી ગયો. મહારાજ જયશિખરીની અંતિમ ઈચ્છાનું રહસ્ય એ સમજી ગઈ કે, “મારા ગર્ભમાં ઈશ્વરકૃપાએ પુત્ર જન્મશે તો એ