પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१४०–रुपसुंदरी (माधवपत्नी)

સવીસનના ૧૩ મા સૈકાના અંતમાં ગુજરાતમાં વાઘેલા વંશનો કરણરાજા રાજ્ય કરી રહ્યો હતો. તેના જીવનની સમાપ્તિની સાથેજ ગુજરાતની સ્વતંત્રતાની પણ સમાપ્તિ થયેલી હોવાથી, આપણા પૂજ્ય સાક્ષર સ્વર્ગસ્થ શ્રી નંદશંકરભાઈએ પોતાની ઉત્તમ નવલકથા દ્વારા તેનું ચરિત્ર ઘણીજ અસરકારક રીતે આલેખેલું છે અને તેથી ગુજરાતમાં પ્રત્યેક મનુષ્ય તેના નામથી પરિચિત છે. એ રાજાનો મુખ્ય પ્રધાન માધવ નામનો એક નાગર ગૃહસ્થ હતો. તેણે વડનગર શહેરમાં કોઈ ગરીબ કુટુંબમાં જન્મ લીધો હતો અને ૧૨ વર્ષની વયે પાટણ શહેરમાં નોકરી શોધવા આવ્યો હતો.

પહેલાં તો લશ્કરના સિપાઈઓના પગાર વહેંચવા ઉપર કારકુન રહ્યો. ત્યાં ચાલાકી, હોશિયારી તથા ઈમાનદારી બતાવી તે ઉપરથી તેને કોઠારીની જગા મળી. ધીમે ધીમે તે સારંગદેવ રાજાનો માનીતો થઈ પડ્યો. સારંગદેવ મરી ગયો ત્યારે તેના છોકરાઓ વચ્ચે ગાદીને માટે તકરાર પડી, તેમાં માધવની હોશિયારી તથા કાવતરાથી કરણનો રાજ્યાભિષેક થયો. તે દિવસથી માધવના ભાગ્યનો ઉદય થયો અને કરણ રાજાએ ગાદી ઉપર નિર્ભય થતાંજ માધવને મુખ્ય પ્રધાનપદ આપ્યું. માધવ ઘણો જ બુદ્ધિમાન, રાજનીતિનિપુણ અને કાર્યકુશળ મંત્રી હતો. તેણે પોતાના બુદ્ધિબળે રાજા (કરણ) ઉપર એટલી તો સત્તા મેળવી હતી કે તેને પૂછ્યા સિવાય રાજા કાંઈ કામ કરતો ન હતો. સઘળું કામકાજ તેજ કરતો. રાજા તો પૂતળા જેવો હતો અને ખરેખર રાજા તે પોતેજ હતો.

કરણ રાજાના એ મહા પ્રભાવશાળી પ્રધાનની સ્ત્રીનું નામ રૂપસુંદરી હતું. રૂપસુંદરી તેના નામ પ્રમાણે અપૂર્વ સૌંદર્યવાળી

૩૩૪