પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૫
રૂપસુંદરી (માધવપત્ની)



સ્ત્રી હતી. તેનું સૌંદર્ય ચીતરવાનું સાહસ અમે નહિ કરીએ, ફકત પ્રસિદ્ધ નવલકથાકારની કુશળ કલમથી આલેખાયલું ચિત્ર જ ગુજરાતી બહેનો આગળ રજૂ કરીશું. સાક્ષર શ્રી નંદશંકરભાઈ આ પ્રમાણે રૂપસુંદરીનું વર્ણન કરે છે: “તે સ્ત્રી ખરેખરી પદ્મિની હતી. તેનું મોં પૂર્ણિમાના ચંદ્ર જેવું હતું અને તેના ગાલના ગૌરવર્ણ ઉપર વખતે વખતે તેની ભરજુવાનીને લીધે જ્યારે ગુલાબી રંગ ચઢી આવતો ત્યારે તેની આગળ ગુલાબનાં ફૂલનો રંગ પણ ઝાંખો જણાતો. તેનું મોઢું ઘણું નાનું હતું તથા તે ઉપરના બે ઓઠ પાતળાં પરવાળાંના જેવા રંગના હતા. જ્યારે તે મંદ મંદ હસતી ત્યારે તેના દાંત સમાકાર ધોળા મોતીના દાણા જેવા દેખાતા. તેને નાકે ઘણાં ઊંચાં પાણીદાર મોતીની વીટલી ઘાલેલી હતી. તેનાં મોતી તેના પરવાળા જેવા ઓઠને અડકતાં, ત્યારે તે કમળની લાલ પાંદડી ઉપર ઓસનાં ટીપાં જેવાં ચળકતાં હતાં. તેના ગાલ ઉપર એક છૂંદણું હતું તેથી તેની ખૂબસૂરતી એટલી તો વધતી હતી કે જેમ ફારસી શાયર હાફિઝ, શિરાઝની એક બૈરીના ગાલ ઉપરના કાળા તલને વાસ્તે સમરકંદ તથા બોખારા શહેર આપી દેવા તૈયાર થયો હતો, તેમ તે છૂંદણાને માટે આખું ગુજરાતનું રાજ્ય કોઈ આપે તો પણ થોડું હતું. તેની આંખ જરા લાંબઘાટી હતી અને સ્વાભાવિક રીતે કાળી હતી, તેની સાથે વળી તેમાં કાજળનું ઝીણું અંજન કીધેલું હતું તેથી તે વધારે મોહ પમાડતી હતી. તેની નજર ઘણી નરમાશવાળી તથા કામથી ભરપૂર દેખાતી હતી. તે એટલી ચપળતાથી ચોગદમ ફરતી કે જે પુરુષ પર તે પડતી તેના હૃદયમાં કારી ઘા માર્યા વિના રહેતી નહિ. તેની ભમર પાતળી ઈંદ્રના ધનુષ્ય જેવી હતી અને એ ધનુષ્યમાંથી મદનદેવ પોતાનાં શસ્ત્ર ઉડાવી હજારો લોકોના મનની શાંતિનો નાશ કરતો. તેના કપાળ ઉપર જે રાતો હિંગળોકનો ચાંલ્લો હતો તે બરફના મેદાન ઉપર લોહીના ટપકા જેવો દેખાતો હતો. ચોટલો નાગની ફેણ જેવો ઘાટદાર અને તેવોજ કાળો હતો. તેના કેશ જો છૂટા મૂકે તો કમ્મર સુધી પહોંચતા. એ સિવાય તેના બીજા અવયવો પણ ઈશ્વરની બેહદ કારીગરી તથા ચાતુર્યના નમૂના હતા.”

અપૂર્વ રૂપલાવણ્યથી વિભૂષિત થયેલી રમણી રૂપસુંદરી એક દિવસ પોતાના ઈષ્ટદેવ શંકરનું પૂજન કરવા ગઈ