પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



હતી. દૈવસંયોગે રાજા કરણ પણ એ સમયે એ માર્ગે થઈને જઈ રહ્યો હતો. તેની દૃષ્ટિ રૂપસુંદરી ઉપર પડી. રૂપસુંદરીની કાંતિ જોઈને કરણ રાજા અત્યંત કામાંધ થઈ ગયો અને ગમે તે પ્રકારે એ રમણીને પોતાના અંતઃપુરમાં આણવાનો સંકલ્પ કર્યો. રૂપસુંદરી પતિવ્રતા સ્ત્રી હતી અને માધવ પણ શૂરવીર નર હતો, એટલે સીધી રીતે કોઈ પણ પ્રકારની લાલચથી પોતાનું કામ પાર નહિ પડે એમ ધારીને કરણ રાજાએ ઘણો નીચ પ્રપંચ રચ્યો. માધવ પ્રધાન ઘર આગળ ન હોય એવે પ્રસંગે પાછળથી સેના મોકલીને રૂપસુંદરીનું હરણ કરી લાવવાનો અધમ સંકલ્પ તેણે કર્યો. એક દિવસે માધવ પ્રધાન કોઈ રાજદરબારી કામને માટે બહારગામ ગયો, તે લાગ સાધીને કરણ રાજાએ પ્રધાનના ઘર ઉપર રૂપસુંદરીને લઈ આવવા માટે સૈન્ય મોકલ્યું. રૂપસુંદરી એ સમયે દેવપૂજા કરીને ભોજન તૈયાર કરવામાં નિમગ્ન હતી. એવામાં તેણે પોતાની ઘરના આગલા ચોગાનમાં શોરબકોર થતો સાંભળ્યો. નોકરને મોકલીને તપાસ કરાવી તો માલૂમ પડ્યું કે રાજ્યના સિપાઈઓએ તેના ઘરને ઘેરો ઘાલ્યો છે અને તેના ઘણા નિમકહલાલ સેવકોને ઠાર મારવા માંડ્યા છે. એ ખબર સાંભળતાં રૂપસુંદરી ઘણીજ ચિંતાતુર થઈ ગઈ. તેનો દિયેર કેશવ એ વખતે ઘરમાં હતો. કેશવ ઉ૫ર રૂપસુંદરીને ઘણો જ સ્નેહ હતો. બાલ્યાવસ્થાથી તેણે પુત્ર સમાન તેનું પાલન કર્યું હતું. કેશવ પણ મોટીભાભીને માતા સમાન ગણીને ચાહતો હતો. અંગકસરત, દાવપેચ, કુસ્તી, તલવારના પટા આદિ વીરોચિત રમતમાં તેણે પોતાની જિંદગી ગાળી હતી. તેનું શરીર કસાયેલું અને બળવાન હતું. ભાભીનું હરણ કરવા રાજાના સિપાઇઓ આવ્યા છે, તે સાંભળતાં વારજ તેની રગેરગમાં ક્રોધ વ્યાપી ગયો. તેની આંખ લાલચોળ થઈ ગઈ અને તેમાંથી ક્રોધનો અગ્નિ વરસવા લાગ્યો. તે પોતાનાં હથિયાર સજીને ભાભીની આગળ આગળ આવી ઊભો અને જીવને જોખમે પણ તેનું રક્ષણ કરવા તૈયાર થયો. જોતજોતામાં કરણ રાજાના સિપાઈઓ ઉપર ચડી આવ્યા અને રૂપસુંદરીને પોતાને સ્વાધીન કરી દેવાને કેશવને ઘણુંએ સમજાવ્યો; પરંતુ કેશવે ક્રોધથી લાલચોળ થઈ જઈને સિંહની માફક ગર્જના કરીને કહ્યું કે, “તમારા કૃતઘ્ની, અધમ,વિષયી રાજાને રૂપસુંદરી જોઈતી હોય,