પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૭
રૂપસુંદરી ( માધવપત્ની )



તો મને મારીને લઈ જાઓ. આ દેહમાં જીવ છે ત્યાંસુધી રૂપસુંદરીના દેહને સ્પર્શ કરવા કોઈ પણ મનુષ્ય સમર્થ નથી. પોતાનો જીવ બચાવવા ખાતર નાગર બચ્ચો કોઈ દિવસ કુળ, ધર્મ અને જ્ઞાતિની પ્રતિષ્ઠાને કલંક લાગવા દેનાર નથી.” કેશવનાં આ વચનો સમાપ્ત થતાંવારજ સેંકડો સિપાઈઓ તેના ઉપર તૂટી પડ્યા. એકલા કેશવે તેમની સાથે ઘણી નીડરતાથી યુદ્ધ કર્યું. કલમ ચલાવનાર નાગર યુવક તલવારના દાવપેચ પણ કેવી ઉત્તમ રીતે ખેલી શકે છે, તેનું કેશવે સારી પેઠે ભાન કરાવ્યું. તેણે રાજાના અનેક સિપાઈઓને કાપી નાખ્યા; પરંતુ એટલા બધાના પ્રહાર સામે એ એકલો કેટલી વાર સુધી ટકી શકે ? શત્રુઓના અસંખ્ય પ્રહાર ખમીને, શત્રુઓને મારતાં મારતાંજ એ ભૂમિ ઉપર પડ્યો અને એક ક્ષણમાત્રમાં વીરગતિને પામ્યો. કેશવનું મૃત્યુ થતાંવાર જ રૂપસુંદરીને મૂર્છા આવી ગઈ. એ બેહોશ હાલતમાંજ રાજાના સૈનિકો તેને રાજમહેલમાં લઈ ગયા.

રાજાએ રૂપસુંદરીને લલચાવવા અનેક પ્રકારની લાલચો બતાવી, પોતાની પટરાણી બનાવવાનું વચન આપ્યું; પણ કોઈ પણ પ્રકારની લાલચ કે ધમકીની અસર પતિવ્રતા રૂપસુંદરીના હૃદય ઉપર થઈ નહિ. રાજાની અધમ વિનંતિનો તેણે તિરસ્કાર કર્યો અને રાજા પોતાના ઉપર બળાત્કાર કરવાનો યત્ન કરશે તો આપઘાત કરીને શિયળનું રક્ષણ કરીશ, એવું સ્પષ્ટ જણાવી દીધું.

કરણ રાજાના મહેલમાં અનેક પ્રકારનાં સુખ હોવા છતાં પણ રૂપસુંદરી પતિવિયોગથી ઝૂરવા લાગી. પતિનો સત્વર મેળાપ થાય તે સારૂ રાતદિવસ એકાગ્રચિત્તે ઈષ્ટદેવની પ્રાર્થના કર્યા કરતી હતી. એ વિપત્તિના સમયમાં એક ક્ષણ માટે પણ તેણે પોતાના ચિત્તને ચળવા દીધું નહોતું અને પતિ સિવાય બીજા કોઈને પણ હૃદયમાં સ્થાન આપ્યું નહોતું. પતિની મંગળવાસનાજ તેના હૃદયમાં સર્વોપરી સ્થાન ભોગવતી હતી.

માધવ પ્રધાન પોતાના કામથી પરવારીને ઘેર પાછો ફર્યો, ત્યારે રાજા તરફથી પોતાના કુટુંબ ઉપર વરસેલા ત્રાસની તેને ખબર પડી. તેના શોકનો પાર રહ્યો નહિ. ક્રોધ અને વેરનો અગ્નિ તેના હૃદયમાં ઉત્પન્ન થઈને જોરથી સળગવા લાગ્યો. રાજાને પાયમાલ કરવાના ઉદ્દેશથી તે સીધો દિલ્હીના મુસલમાન બાદશાહ અલાઉદ્દીન પાસે ગયો અને ગુજરાતની ફળદ્રૂપતા તથા