પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



સમૃદ્ધિનું વર્ણન કરીને એ દેશને જીતવાની સલાહ આપી. અલ્લાઉદ્દીનને તો એટલું જ જોઈતું હતું. કાચા સોના જેવી ગુજરાતની રસાળ ભૂમિનો સ્વામી બનવાની ઈચ્છા તેના મનમાં ક્યારની થયા કરતી હતી, તેવામાં માધવરાવના જેવો ભોમિયો માણસ મદદ કરવાને મળી આવે એટલે પૂછવું જ શું ? તેણે સેનાપતિ અલફખાંની સરદારી હેઠળ માધવની સાથે ઘણું મોટું સૈન્ય મોકલ્યું. એ યુદ્ધમાં કરણ રાજાનો પરાજય થયો અને ઇ.સ. ૧૩૦૦માં મુસલમાન લોકોએ ગુજરાતમાં પ્રવેશ કર્યો. માધવે અલ્લાઉદ્દીનને ૩૬૦ કચ્છી ઘોડા નજર કર્યા અને દેશનો કારભાર મેળવ્યો. અલફખાંને લશ્કરી ખાતાનો સૂબો ઠરાવ્યો. કરણ રાજાને જીવ લઈને નાસવું પડ્યું. પારકી સ્ત્રી ઉપર કુદૃષ્ટિ કરનાર એ રાજાની રાણી તથા પુત્રીને અંતે મુસલમાનોને સ્વાધીન થવું પડ્યું તથા મુસલમાનો સાથે લગ્ન કરીને ભ્રષ્ટ થવું પડ્યું.

આ પ્રમાણે કરણ રાજા ઉપર મનમાન્યું વેર લઈને માધવ પોતાની પ્યારી પત્ની રૂપસુંદરીને મળવા અંતઃપુરમાં ગયો. ઘણા દહાડાના વિયોગ પછી તે પતિપત્ની પાછાં મળ્યાં. તેઓ ભેટ્યાં, રડ્યાં તથા હર્ષનાં બીજાં સઘળાં ચિહ્‌નો તેઓએ દેખાડ્યાં. રૂપસુંદરીને કરણ લઈ ગયો તેમાં તેની તરફનો કાંઈ વાંક નહોતો, તે માધવને સારી પેઠે માલુમ હતું. બન્નેના વિયોગમાં માધવનું દિલ રૂપસુંદરી ઉપરથી ઉતરી ગયું ન હતું પણ તેને પાછી મેળવવાની તથા તેના હરણ કરનારનું વેર લેવાની તેની આતુરતા જે પ્રમાણે પ્રબળ થતી ગઈ તે પ્રમાણે તેની ધણિયાણી ઉપરનું હેત પણ વધતું ગયું. આટલી સહેલાઈથી તેને પોતાની પ્રિયા મળશે એવી આશા નહોતી. જ્યારે રૂપસુંદરી આગળના જેટલાજ હેતથી તેને ભેટી, ત્યારે તેના હર્ષનો પાર રહ્યો નહિ. રૂપસુંદરીના સ્નેહમાં કાંઈ ફેરફાર થયેલ નહોતો. તેના અંતઃકરણની પ્રીતિનું નિર્મળ ઝરણું પોતાનો માર્ગ બદલીને બીજી દિશામાં વહ્યું નહોતું તથા તેના હેતના ખજાનાનો ભાગીદાર થવાનો બીજા કોઈનો દાવો તેણે સ્વીકાર્યો નહોતો; એ ઝરણે માધવની તરફજ અસલ માફક વહ્યાં કીધું એટલું જ નહિ પણ તે પાસે ન હોવાથી તેમાં વધારો થયો.

માધવે શાસ્ત્રીઓની સભા ભરી અને બ્રાહ્મણની સ્ત્રીનો ૨જપૂત સાથે બળાત્કારથી સ્પર્શ થયો તેનો દોષનિવારણ કરવાનું