પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૯
ગુણસુંદરી


પ્રાયશ્ચિત્ત તેઓની પાસે શોધી કઢાવ્યું. પછી તે પ્રમાણે સઘળી ક્રિયા રૂપસુંદરી પાસે કરાવી, બ્રાહ્મણોને મનમાની દક્ષિણા આપી અને લાડુનું ભોજન કરાવી સઘળા બ્રહ્મદેવોને સંતોષ્યા. હવે બીજી કાંઈ હરકત રહી નહિ, તેથી માધવ તથા રૂપસુંદરી આનંદપૂર્વક દિવસો નિર્ગમન કરવા લાગ્યાં. એ પાછા મળેલા સુખની યાદગીરીને વાસ્તે માધવે વર્ધમાનનગર (વઢવાણ)માં એક વાવ બંધાવી તે હજી તેના નામથી ઓળખાય છે.

કરણ જેવા રાજાની લાલચો અને ધમકીઓની લેશમાત્ર પરવા કર્યા વગર પોતાનું પાતિવ્રત્ય અખંડ રાખવા માટે નાગર રમણી રૂપસુંદરી સર્વ સ્ત્રીઓની શ્રદ્ધાને પાત્ર છે.

१४१–गुणसुंदरी

રમણી ગુજરાતના રાજા કરણ વાઘેલાના પ્રધાન માધવના નાના ભાઈ કેશવની પત્ની હતી. એ જો કે પોતાની જેઠાણી રૂપસુંદરી જેવી ખૂબસૂરત નહોતી, તો પણ નામ પ્રમાણે તેનામાં અનેક ગુણ હતા. એ સુશીલ, ભણેલગણેલ, કાર્યકુશળ અને પતિવ્રતા સ્ત્રી હતી. રૂપસુંદરીના રૂપ ઉપર મોહી જઈને કરણ રાજાએ તેનું હરણ કરવા સૈન્ય મોકલ્યું અને એ સૈન્ય સામે લડીને ભાભીનો બચાવ કરવા જતાં ગુણસુંદરીનો વીર પતિ ભરજુવાનીમાં કામ આવી ગયો, તે આપણે આગલા ચરિત્રમાં જોઈ ગયા છીએ. પતિને મરણ પામેલો જોઈને એ નાગર રમણીએ સતી થવાનો સંકલ્પ કર્યો. આડોશીપાડોશી તથા સગાંવહાલાંઓએ તેને ઘણુંએ સમજાવી; પણ એણે કોઈનું કહ્યું માન્યું નહિ. ગુણસુંદરી શાસ્ત્ર અનુસાર કાર્ય કરીને પતિનું સહગમન કરવા તૈયાર થઈ હતી, તેથી તેની માતા અંદરખાનેથી ખુશ થઈ હતી; પણ પોતાની પુત્રીનું વધારે પારખું જોવા સારૂ તેણે પણ વિલાપ કરીને સતી ન થવાની સલાહ આપી, પરંતુ ગુણસુંદરીએ વિનયપૂર્વક માતાને સમજાવ્યું કે, “સ્ત્રીને માટે પતિ વગરનું જીવન મિથ્યા છે. સંસારમાં સગાંસંબંધીઓના ટપલા ખાઈને અને દુનિયામાં લોકોનું અપમાન સહન કરીને જીવન ગાળવા કરતાં મરણ પામવું ઘણું