પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१४२–वीरमती

તેરમા સૈકામાં દક્ષિણમાં દેવગિરિ અથવા દેવગઢમાં યાદવ રાજાઓનું રાજ્ય હતું. રાજાનું નામ રામરાજા હતું; તેને એક કન્યા હતી. એ ઘણી સુંદર હોવાથી એને પરણવા સારૂ ઘણા શત્રુ રાજાઓ રામરાજા ઉપર ચડાઈ કર્યા કરતા હતા. રામરાજાના સેનાપતિ ઘણો સ્વામીભક્ત અને સાચો મરાઠા રજપૂત હતો. જ્યારે કોઈ શત્રુ રામરાજાની સાથે યુદ્ધ કરવા આવતો ત્યારે એ સેનાપતિજ સામે જતો અને શત્રુઓને મારીને નસાડી મૂકતો હતો. આ પ્રમાણે એણે ઘણાં યુદ્ધોમાં વિજય મેળવ્યો હતો; પરંતુ દૈવ કાંઈ સદા અનુકૂળ હોતું નથી. એક વખતે શત્રુઓની સાથે યુદ્ધ કરવા જતાં એ વીરગતિને પ્રાપ્ત થયો.

એ સેનાપતિને વીરમતી નામની એક કન્યા હતી. પિતાના મૃત્યુથી એ નિરાધાર થઈ ગઈ; પણ રામરાજાએ તેને પોતાના મહેલમાં બોલાવી લીધી; ત્યાંજ તેનું પાલનપોષણ થવા લાગ્યું. રાજા તેને પોતાની કન્યા જેટલું જ ચાહતો,એટલે વીરમતી રાજકુટુંબના એક બાળક જેવી થઈ ગઈ. રાજાની કન્યા અને વીરમતી વચ્ચે ઘણી પ્રીતિ બંધાઈ ગઈ. એ બે જણીઓ એકબીજીને સગી બહેન જેવી ગણવા લાગી. યોગ્ય વય થયા પછી રામરાજાએ પોતાની પુત્રીનું લગ્ન કરી દીધું. એ વખતે વીરમતીની ઉંમર જરા નાની હતી, એટલે તેનું લગ્ન કર્યું નહિ પણ તેનું સગપણ કૃષ્ણરાવ નામના એક મરાઠા સરદારની સાથે કરી દીધું.

કૃષ્ણરાવ દેખાવમાં રૂપાળો અને ઊંચા કુળનો યુવક હતો. વીરતામાં પણ એ એક્કો હતો. તેના ગુણોની પ્રશંસા સાંભળીને વીરમતી ઘણી પ્રસન્ન થતી અને એ વર આપવા માટે મનમાં ને મનમાં પરમેશ્વરને સેંકડો ધન્યવાદ આપતી. ધીમે ધીમે લગ્નનો

૩૪૧