પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



સમય પણ નજીક આવી પહોંચ્યો. પરંતુ એ વખતે એક એવી દુર્ઘટના થઈ ગઈ કે જેને લીધે વીરમતી અને કૃષ્ણરાવનું લગ્ન થઈ શક્યું નહિ.

ઈ. સ. ૧૨૯૪ માં ખિલજી વંશના બાદશાહ અલાઉદ્દીને દક્ષિણ ઉપર ચડાઈ કરી હતી. અલાઉદ્દીનનો ઉદ્દેશ નવા પ્રાંતને પોતાના રાજ્યમાં મેળવીને રાજ્ય અને ધનની વૃદ્ધિ કરવાનો તથા સાથે વીરમતી જેવી યુવાન સુંદરીઓને પ્રાપ્ત કરવાનો પણ હતો. અલાઉદ્દીનની પાસે મોટી સેના હતી અને દક્ષિણમાં આ તેની પહેલી સવારી હતી, એટલે લોકો ઘણા ગભરાટમાં પડ્યા હતા.

અલાઉદીનના આવવાની ખબર પડી એટલે રામરાજાએ પણ પોતાનું સૈન્ય એકઠું કર્યું. રજપૂતો ઘણા ઉત્સાહથી લડવા સારૂ તૈયાર થયા. વીરમતીનો ભાવિ પતિ કૃષ્ણરાવ પણ આ યુદ્ધમાં પોતાનું વીરત્વ બતાવવાના ઉમંગમાં શસ્ત્ર અને બખતર સજીને તૈયાર થઈ ગયો અને શત્રુઓની રાહ જોવા લાગ્યો. જેમ જેમ અલાઉદ્દીનની સેના પાસે આવતી જતી હતી, તેમ તેમ રામ૨ાજાની સેના પણ અધિક ઉત્કંઠિત થતી હતી. થોડી વારમાં શત્રુની સેના આવી પહોંચી અને બંને તરફથી લડાઈ શરૂ થઈ. આ યુદ્ધમાં રામરાજાના સૈનિકોએ ઘણું સારૂં પરાક્રમ બતાવ્યું.

અલાઉદ્દીને ઘણી વાર હિંદુસ્તાનના ભિન્ન ભિન્ન પ્રદેશો ઉપર ચડાઈ કરી હતી. અસંખ્ય મનુષ્યોના પ્રાણ અને ધન હરી લીધાં હતાં અને અનેક રાજાઓને પોતાના શરણાગત બનાવ્યા હતા. થોડા સમયમાં જ એણે ભારતમાં પોતાનો વિજયવાવટો ફરકાવ્યો હતો; પરંતુ રામરાજાની સાથે દેવગઢની લડાઈમાં તેણે જેવી હાર ખાધી તેવી પહેલાં કદી ખાધી નહોતી. આથી એને ઘણી શરમ આવી. સીધી રીતે રામરાજાને જીતવાનો કોઇ ઉપાય એને મળ્યો નહિ, ત્યારે તેણે એક પ્રપંચ રચ્યો. તેણે એકદમ પોતાની સેનાને પાછા ફરવાની આજ્ઞા આપી અને ચારે તરફ ખબર ફેલાવી દીધી કે, “રામરાજાની પ્રબલ સેનાથી ડરી જઈને અલાઉદ્દીન બાદશાહ નાસી જાય છે. રામરાજા જેવો શત્રુ એને કોઈ મળ્યો નથી, તેથી લાચાર થઈને પાછા જવું પડે છે.”

શત્રુઓને નાસતા જોઈને રામરાજાની સેનામાં ઘણો હર્ષ ફેલાયો, નિશ્ચિન્ત્ત થઈને સૈનિકો પાછા ફર્યા; પરંતુ થોડી વાર પછી