પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૯
રૂપસુંદરી


કોઈ દિવસ ગુર્જર દેશનો શત્રુઓના હાથમાંથી ઉંદ્ધાર કરશે તથા ચાવડા વંશનું નામ ઉજ્જવળ કરશે.”

શાંત ચિત્તે રૂપસુંદરી ભાઈ શૂ૨પાળની સાથે વનમાં ગઈ. થોડે દૂર ગયા પછી તેણે શૂરપાળને પણ સ્વામીને સહાય કરવા સારૂ રણક્ષેત્રમાં મોકલી દીધો. સગર્ભા રૂપસુંદરી એકલી એ વનમાં ચાલવા લાગી. ચાલતાં ચાલતાં એ ભીલોના નિવાસસ્થાન આગળ આવી પહોંચી. એક ભીલડીએ તેના ઉપર દયા આણીને તેને પોતાના ઝુંપડામાં આશ્રય આપ્યો. એ ભીલડી રાણી રૂપસુંદરીને સારૂ કંદમૂળ તથા ફળફળાદિ આણી આપતી. રાજવૈભવમાં ઉછરેલી રાણી રૂપસુંદરી એ સાદા ખોરાકને પણ ઘણો આનંદ અને સંતોષપૂર્વક ખાતી તથા પોતાને આશ્રય આપવા સારૂ એ ભીલડીનો વારંવાર આભાર માનતી. એ ભીલડીના ઘરમાંજ રાણી રૂપસુંદરીને પ્રસવ થયો. સંવત ૭૫૨ ની વસંતઋતુમાં વૈશાખ સુદ ૧૫ ને દિવસે સૂર્યોદય સમયે રાણી રૂપસુંદરીના ગર્ભમાંથી એક પુત્રરત્ને જન્મ લીધો. એ ભીલડીના ઘરમાંજ એ બાળકનું લાલનપાલન થયું. વનમાં જન્મ થવાથી એ પુત્રનું નામ વનરાજ રાખવામાં આવ્યું. વડના ઝાડ નીચે એક ટોપલીમાં વનરાજ હીંચવા લાગ્યો. જે કુમારનો પિતા આખા ગુજરાતના વિશાળ રાજ્યનો રાજા હતો, તે કુમારની આજે આ દશા ! ક્યાં એ રાજા ! કયાં એ રાજવૈભવ ! રત્નજડિત સોનાના પલંગ ઉપર શયન કરનારી પટરાણીને આજે એક કંગાલ ભીલડીના ઝૂંપડામાં સૂવા વારો આવ્યો !! મખમલની તળાઈઓમાં અથવા રત્નમાણિક્યજડિત સુંદર હીંડોળામાં હીંચનાર, દાસીઓના હાથમાં ખમા ખમા થનાર કોમળ રાજકુમાર આજે ઝાડની નીચે સૂઇ રહૃાો હતો !! કાળનું ચક્ર એવુંજ છે, એ ઘડીમાં રાજાને રંક અને રંકને રાજા બનાવી દે છે. સાધારણ મનુષ્યો એવા સંકટના સમયમાં ધૈર્ય ખોઈ બેસે છે, પણ રાણી રૂપસુંદરીએ પોતાનું ધૈર્ય ચળવા દીધું નહિ, પૂર્ણ શાંતિથી દુઃખના દહાડા એણે ગુજાર્યા.

વનરાજ છએક મહિનાનો થયો એવામાં શીલગુણસૂરી નામનો એક જતિ એ ભીલડીના ઝૂંપડા આગળ આવી પહોંચ્યો. તેણે એ વડની ડાળી નીચે કપડાના ખોયામાં વનરાજને હીંચતો જોયો. બાળકનું રૂપ જોઈને જતિ મુગ્ધ થઈ ગયો અને તેને પોતાની સાથે લઈ જવાનો નિશ્ચય કર્યો. રાણી રૂપસુંદરીએ તેને