પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૩
વીરમતી



ખબર પડી કે આ સમાચાર જૂઠા છે. અલાઉદ્દીનની ફોજ તો પાંચસાત ગાઉ ઉપરજ સંતાઈ રહી છે. એ સમાચાર સાંભળીને રામરાજાએ કૃષ્ણરાવ અને બીજા સેનાપતિઓને બોલાવીને તેમની સલાહ પૂછી. એ વખતે બધાએ સલાહ આપી કે, “શત્રુઓની પાછળ પડવું જોઈએ, કે જેથી એ લોકો આપણી સીમમાંથી બહાર નીકળી જાય અને પાછા આવવાની હિંમત ન કરે.” રામરાજાને એ વાત યોગ્ય લાગી અને તેણે સેનાને તૈયાર થવાનો હુકમ આપ્યો, પરંતુ એટલામાંજ કૃષ્ણરાવ બોલી ઊઠ્યોઃ “પૃથ્વીનાથ ! શત્રુઓનો જડમૂળથી નાશ કરી નાખવાની મેં એક યુક્તિ વિચારી છે. આશા છે કે ઈશ્વર કરશે તો એમાં આપણે ફાવી જઈશું.”

રામરાજાએ ઘણુ પ્રેમપૂર્વક પૂછ્યું: “એ કયી યુક્તિ છે ?”

કૃષ્ણરાવે ઉત્તર આપ્યો: “યુક્તિ એવી છે કે, એક મનુષ્ય વેશ બદલીને શત્રુસેનામાં જાય અને અંદર જઈને સારી પેઠે જોઈ આવે કે તેમનું સૈન્ય કેટલું છે, સરસામાન કેટલો છે, દારૂગોળો કેટલો છે, વગેરે. એ બધો ભેદ જાણ્યા પછી એમના કરતાં વધારે બળવાન ફોજ લઈને આપણે હલ્લો કરીશું, એટલે એ લોકોનો સમૂળગો નાશ થઈ જશે.”

રાજાએ કહ્યું: “આ કામ જેવા તેવા આદમીનું નથી. એને માટે તો કોઈ બહુ હોશિયાર અને પ્રમાણિક મનુષ્યની જરૂર છે. વળી એ માણસનો જાન પણ ભારે જોખમમાં છે, કારણકે શત્રુઓને ખબર પડી જાય કે એ છૂપો દૂત છે તો તેઓ તરતજ તેના પ્રાણ લઈ લેશે.”

કૃષ્ણરાવ તરત બોલી ઊઠ્યોઃ “મહારાજ ! આપ એ બાબતની ચિંતા ન કરશો. હું જાતે જવાને તૈયાર છું, ફક્ત હજૂરના હુકમની રાહ જોઉં છું.”

રાજાએ એને જવા દેવાની એકદમ હા કહી નહિ, પરંતુ કુષ્ણરાવે ઘણોજ આગ્રહ કર્યો એટલે આખરે તેને કબૂલ કરવું જ પડ્યું. કૃષ્ણરાવની મનોકામના પૂર્ણ થઈ ગઈ. મનમાં ને મનમાં એ ઘણો પ્રસન્ન થવા લાગ્યો. એ તરતજ ત્યાંથી ઊઠીને વેશ બદલીને શત્રુની સેના તરફ જવાની તૈયારી કરવા લાગ્યો.

પોતાના ભાવિ પતિને શત્રુના મુખમાં જતો જોઈને વીરમતી