પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૭
વીરમતી



ઘણોજ કારી હતો. તેની જીવનયાત્રા પૂરી થવાને પાંચદશ પળનીજ વાર હતી. મૃત્યુ સમયે વીરકન્યા વીરમતીનો તિરસ્કાર સાંભળીને કૃષ્ણરાવને પોતાના કૃત્ય માટે પશ્ચાતાપ થયો. તેના મુખમાંથી છેવટને વખતે નીકળી ગયું કે, “પ્રિયે ! તેં મને આવા મોટા કલંકમાંથી બચાવ્યો એ ઘણું સારૂં કર્યું. હજુ સુધી કશું બગડ્યું નથી.”

વીરમતીએ કહ્યું: “પતિનો ધર્મ સ્ત્રીને અધર્મમાંથી બચાવવાનો છે, તેવી જ રીતે પુરુષ પણ નિંદનીય અને કલંકિત માર્ગે જતો હોય, તો તેને ઠેકાણે લાવવો એ પત્નીનું કામ છે. હું પણ વીરપુરુષની કન્યા છું. તમે મારા પતિ છો. હું તમને ખરા અંતઃકરણથી ચાહું છું. હું જાણીજોઈને તમને કુમાર્ગે કેવી રીતે જવા દઈ શકું ? તમે એમ ન સમજશો કે તમને મારી નાખીને હું પોતે સુખમાં જીવન ગાળીશ. હું તો તમારી સાથે જ આવું છું. આ દુનિયામાં રહીને હવે શું કરવાની છું ? તમારા વગર સંસાર મારે માટે નીરસ અને શૂન્ય છે.”

એટલું કહીને વીરમતીએ પતિના રક્તથી ખરડાયેલી તલવાર એકદમ પોતાની છાતીમાં ખોસી પતિ સાથે સ્વર્ગે સિધાવી.

આ પ્રમાણે આ પ્રેમી યુગલની જીવનલીલા પૂર્ણ યૌવનાવસ્થામાંજ એકાંત વનમાં સંપૂર્ણ થઈ. રામરાજાએ એ બન્નેની ઘણીએ શેાધ કરાવી, પણ પત્તો લાગ્યો નહિ. ઘણે દિવસે અલાઉદ્દીનની સેનાએ દેવગઢનો કિલ્લો પોતાના હાથમાં લીધો ત્યારે મુસલસાન સૈનિકને મોંએ આ ભેદ પ્રગટ થયો.

વીર રમણીઓ સ્વદેશ અને સ્વધર્મની ખાતર પ્રિયમાં પ્રિય વસ્તુની પણ પરવા કરતી નથી. ધન્ય છે એમના જીવનને !!