પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૧
પદ્મિની



રાજ્યનો વહિવટ તેના કાકા ભીમસિંહના હાથમાં હતો. ભીમસિંહ એક પરાક્રમી વીર હતો અને સિંહલની રાજકુમારી પદ્મિનીને સમુદ્રપારથી પરણી લાવ્યો હતો. પદ્મનું સૌરભ જેમ આખા સરોવરને પ્રકુલ્લિત કરી દે છે તથા ધીમે ધીમે તેની સુગંધ દિગદિગંતમાં પ્રસરાવી દે છે, તે પ્રમાણે કમલાસન ઉપર બિરાજતાં લક્ષ્મીદેવીના જેવી સુંદર પદ્મમુખી રજપૂતાણી પદ્મિનીના રૂપનો મહિમા તથા તેના સદ્‌ગુણોની કીર્તિ દિવસે દિવસે આખા ભારત વર્ષમાં પ્રસરી ગયાં.

એ વખતે દિલ્હીની ગાદી ઉપર અલાઉદ્દીન ખિલજી બાદશાહ રાજ્ય કરતો હતો. પદ્મિનીના દેવદુર્લભ સૌંદર્યની વાત એક દિવસ તેને કાને પણ પહોંચી અને એ પ્રશંસાથી એ એટલો બધો મુગ્ધ થઈ ગયો કે પદ્મિનીને પોતાની બેગમ બનાવવાના સંકલ્પથી તેણે ચિતોડ ઉપર પ્રચંડ સૈન્ય સાથે ચડાઈ કરી. જાતીય સ્વાધીનતા અને રાજકુટુંબની લલનાના સન્માનની ખાતર રજપૂત વીરો અદમ્ય ઉત્સાહ અને પરાક્રમથી યુદ્ધ કરવા તત્પર થયા. અલાઉદ્દીન દિલ્હીનો બાદશાહ હતો. તેનું સૈન્ય અને બળ અપરિમિત હતું. પૈસાટકાની પણ ખોટ નહોતી; પરંતુ એવા પરાક્રમી શત્રુઓ સાથે પણ મેવાડ સરખા નાના રાજ્યના રજપૂતો એવા અલૌકિક વીરત્વ અને સાહસથી લડ્યા કે મુસલમાન સેના ચિતોડના કિલ્લા તરફ એક ડગલું પણ આગળ ન વધી શકી.

લાંબા સમય સુધી યુદ્ધ ચાલવાથી બન્ને પક્ષના લોકો થાકી ગયા. અલાઉદ્દીને ભીમસિંહને કહેવરાવ્યું કે, “મારે પદ્મિની જોઈતી નથી. મેં સાંભળ્યું છે કે એ અદ્વિતીય સુંદરી છે. એક વાર તેને આંખેથી જોવાની મારી ઇચ્છા છે, તેની સુંદર મૂર્તિનાં એક વખત દર્શન કર્યા પછી, હું સૈન્ય લઈને પાછો દિલ્હી જઈશ.”

આ સંદેશો સાંભળીને ભીમસિંહ અને ચિતોડના બીજા સરદારો વિચારમાં પડ્યા. અલાઉદ્દીનની પાપી દૃષ્ટિ આગળ રાજકુટુંબની લક્ષ્મી જેવી પવિત્ર સુંદરીનું સૌંદર્ય કેવી રીતે દેખાડાય ? એવી હીનતાનો સ્વીકાર કરવાને કોઈનું મન લલચાયું નહિ. આખરે પદ્મિનીને આ વાતની જ્યારે ખબર પડી, ત્યારે તેણે પતિને કહ્યું: “મારૂં આ ક્ષણભંગુર રૂપ ચિતોડને માટે કાળસ્વરૂપ નીવડ્યું. હવે એ મિથ્યા સૌંદર્યની ખાતર ચિતોડના વીર