પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



રજપૂતોનો રક્તપાત મારાથી જોઇ શકાશે નહિ. મને એક વાર માત્ર જોવાથી જ અલાઉદ્દીન બાદશાહ સંતુષ્ટ થતો હોય અને ચિતોડના વીરોનું રક્ષણ થતું હોય, તો પછી એમ કરવામાં શી હાનિ છે ? હું એકદમ તેને મોં દેખાડવાને તો તૈયાર નથી. આરસીમાં મારૂં મોં જોવાથીજ એની આકાંક્ષા તૃપ્ત થતી હોય તો એને તમે પુછાવી જુઓ કે એમ કરવાને એ રાજી છે ?”

ઘણો વિચાર કર્યા પછી પદ્મિનીની એ સલાહ ભીમસિંહે પસંદ કરી. આ સમાચાર અલાઉદ્દીનને પહોંચાડવામાં ચાવ્યા. અલાઉદ્દીને એ સૂચના કબૂલ કરી.

નિયત દિવસે અલાઉદ્દીનને ચિતોડના રાણાજીના મહેલમાં લઈ જવામાં આવ્યો. ઉદાર હૃદયના વીર રજપૂતો એક વખત વચન આપ્યા પછી કદી પણ ફરી જતા નથી. શત્રુને પણ મિત્ર અથવા અતિથિ તરીકે પોતાના ઘરમાં નોતર્યા પછી તેઓ કોઈ દિવસ તેની સાથે વિશ્વાસઘાત કરતા નથી. રજપૂતના આ ગુણવિષે અલાઉદ્દીન બાદશાહની પણ ખાતરી હતી, તેથી એ પણ ફક્ત ગણ્યાગાંઠયા અનુચરોને સાથે લઈને નિર્ભય ચિત્તે રાણા ભીમસિંહના મહેલમાં ગયો.

આરસીમાં તેણે પદ્મિનીની પ્રતિમૂર્તિ દેખી. તેને ખાતરી થઈ કે પોતાની કલ્પના વડે હૃદયમાં તેણે પદ્મિનીનું જે સૌંદર્ય આંકી રાખ્યું હતું, તેના કરતાં હજારગણું સૌંદર્ય પદ્મિનીનું છે. જોતાંવારજ તેની પાપવાસના દૂર થવાને બદલે સોગણી વધારે પ્રદીપ્ત થઈ ગઈ, પણ પદ્મિનીને મેળવવાનો ઉપાય શો ? મનમાં ને મનમાં તેણે એક યુક્તિ શોધી કાઢી અને જતી વખતે મિત્રભાવે ઘણાં મધુર વચનમાં રાણા ભીમસિંહને પોતાના તંબૂમાં પધારવાનું નિમંત્રણ કર્યું. સરળ સ્વભાવનો ભીમસિંહ કાંઈ પણ આનાકાની કર્યા વગર અલાઉદ્દીનના તંબૂમાં ગયો. અલાઉદ્દીનના પેટમાં તો પાપ હતું જ. તેણે ભીમસિંહને કેદ કરી દઈને ચિતોડવાસીઓને જણાવ્યું કે, “પદ્મિની નહિ આપો, ત્યાંસુધી ભીમસિંહને છોડવામાં નહિ આવે.”

યથાસમયે આ સમાચાર પદ્મિનીને કાને પહોંચ્યા. ચિતોડના રાજકુટુંબની વધૂના સન્માન અને રક્ષણ સારૂ, ચિતોડવાસીઓ જીવસટ્ટે લડવા તૈયાર છે એ તે જાણતી હતી. દૈવસંયોગે ચિતોડવાસીઓનો