પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



અને પહેરેગીરો બધા છેટે હતા. પદ્મિની કોઈ ન જાણે એવી રીતે ભીમસિંહને પોતાની સાથે મ્ચાનામાં બેસાડી પલાયન કરી ગઈ. રક્ષક તરીકે બીજા કેટલાક મ્યાનાઓ તેમની સાથે ગયા. બાકીના મ્યાનાઓ ત્યાં તંબૂ આગળજ રહ્યા. મુસલમાનો સમજ્યા કે પદ્મિનીની સાથે આવેલી જે બહેનપણીઓ પાછી જવાની હતી તે ચિતોડ પાછી જઈ રહી છે. પદ્મિની હવે થોડા વખતમાં બાદશાહના તંબૂમાં જશે.

આમ રાહ જોતાં જોતાં ઘણા વખત થઈ ગયો, પણ પદ્મિની બાદશાહ પાસે દેખાઇજ નહિ. બાદશાહ વિચાર કરવા લાગ્યો કે સ્વામીને ત્યાગ કરવા તો આવી છે અને વળી આટલો બધો વખત વાતચીત શાની કરે છે ? બાદશાહનું મન ચંચળ થઈ ગયું. ધીમે ધીમે તેના શંકાશીલ હૃદયમાં કાંઈક શક પણ ઉત્પન્ન થયો. સૈનિકો સાથે તેણે ભીમસિંહના કારાગાર આગળ આવીને તંબૂનો પડદો ઉપાડવાનો હુકમ કર્યો. એકદમ વીરગર્જના કરીને તંબૂની અંદરથી તથા એ મ્યાનાઓમાંથી હથિયારબંધ રજપૂત વીરો નીકળી આવ્યા. મ્યાના ઉપાડનારા ભોઈઓએ પણ પોતાનો કપટીવેશ છોડી દઈને ખરા ૨જપૂત તરીકે શસ્ત્રો ધારણ કર્યાં. મુસલમાનો અને રજપૂતો વચ્ચે ઘોર યુદ્ધ મચી ગયું.

પદ્મિની આમ સાતસો યોદ્ધાઓને પોતાની બહેનપણીઓ તરીકે તથા દરેક મ્યાના દીઠ છ છ મળીને બોંતેર રજપૂતોને મ્યાના ઉંચકનારા ભોઈ તરીકે લઈ ગઈ હતી અને યુક્તિ તથા કુશળતાપૂર્વક શત્રુના હાથમાંથી પતિને છોડાવી ગઈ હતી.

બે જગ્યાએ ભીષણ યુદ્ધ આરંભાયું. મુસલમાનોનું એક લશ્કર ઝપાટાબંધ પદ્મિની અને ભીમસિંહની પાછળ ગયું. રસ્તામાં બન્ને પક્ષ વચ્ચે ખૂબ ઝપાઝપી ચાલી. રજપૂત અને મુસલમાન સૈનિકોના રક્તથી યુદ્ધભૂમિ રંગાઈ ગઈ, પણ ભીમસિંહ અને પદ્મિની ક્ષેમકુશળ ચિતોડગઢમાં પહોંચી ગયાં.

ગોરા નામનો પદ્મિનીનો પિયર સંબંધી એ સમયે ચિતોડમાં સેનાનાયક હતો. તેણે અને તેના બાર વર્ષના ભત્રીજા બાદલે આ યુદ્ધમાં અતુલ પરાક્રમ દેખાડ્યું. પોતાની તલવારથી અસંખ્ય મુસલમાન સૈનિકોનો વધ કરીને ગોરા રણમાં સૂતો. બાળકવીર બાદલ મુસલમાનોના લશ્કરને ભેદીને ચિતોડ આવ્યો