પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૫
પદ્મિની



અને પોતાની કાકીને ગોરાના મૃત્યુના સમાચાર જણાવ્યા. બીજી તરફ ચિતોડ જીતવાની તથા પશ્ચિનીને વરવાની આશા મિથ્યા છે એમ જાણીને અલાઉદ્દીન બાદશાહ વીલે મોંએ દિલ્હી પાછો ગયો.

ઘણાં વર્ષ વીતી ગયાં. પદ્મિનીના ચાતુર્યને લીધે પોતે જે છક્કડ ખાધી હતી તે તેના હૃદયમાં ખૂંચ્યા કરતી હતી. પદ્મિની, ભીમસિંહ અને ચિતોડના રજપૂતોનું વેર લેવા માટે તેના હૃદયમાં પ્રબળ ડંખ લાગ્યા કરતો હતો, એટલા સારૂ લાગ જોઈને ઈ. સ. ૧૨૯૭ માં તેણે ચિતોડ ઉપર બીજી વાર ચઢાઈ કરી.

પહેલા યુદ્ધમાં રાજપૂતોના મોટા મોટા શૂરા સામંતો માર્યા ગયા હતા. એ લોકો હજુ સુધી પોતાની ખોટ પૂરી કરી શક્યા નહોતા, એટલામાં અલાઉદ્દીને પ્રચંડ સૈન્ય સહિત ચિતોડને ફરીથી ઘેરી લીધું. રજપૂતો જલદીથી જેટલી સેના એકઠી થઈ શકે તેટલી કરીને, મુસલમાનોની સાથે મરણિયા થઈને લડવાને તૈયાર થયા. એ યુદ્ધ ઉપર ટીકા કરતાં ‘ઇતિહાસ રાજસ્થાન’ ગ્રંથના લેખક ચારણ રામનાથ રત્નુ લખે છે કે, “સિસોદિયાઓએ ગઢમાં બેસી રહીને લડાઈ કરી એ એમની મોટી ભૂલ થઇ અને એમના પછી પણ મહારાણા પ્રતાપસિંહજીના વખત સુધી એ ભૂલ ચાલુ રહી, જેને લીધે મુસલમાનોને ઘણુંખરૂં જીત મેળવવાનો અવસર મળ્યો; કેમકે ગઢમાં બેસીને લડવાથી ૨જપૂતો ઘેરાઈ જતા હતા, આ દેશ શત્રુઓના હાથમાં આવી જતો હતો; પ્રજાને શત્રુઓથી બચાવનાર કોઈ રહેતું નહિ. શત્રુઓને બધી જાતની સુખસગવડતા મળતાં. એમને ફક્ત એટલીજ ફિકર રાખવી પડતી કે કિલ્લાની અંદર બહારથી અન્ન અને જળ પહોંચવા ન પામે. આને લીધે કિલ્લાની અંદરના રજપૂતોને અન્નજળ વગર બેચાર દિવસ રહેવાનો પ્રસંગ આવતાં જ તેઓને બેબાકળા થઇ જઈને કિલ્લો છોડીને બહાર લડવાને નીકળી આવવું પડતું. એ વખતે શત્રુએ તંદુરસ્ત હાલતમાં રહેતા અને રજપૂતો ભૂખ્યા તરસ્યા બે ત્રણ દિવસના અપવાસી હોવાથી જો કે એ લોકો પુષ્કળ વીરતાથી લડતા, તોપણ આખરે થાકીને ઘણાખરા માર્યા જતા. જે બચતા તે માંહોમાંહે કપાઈ મરતા; કેમકે એવા ભયંકર યુદ્ધ વખતે ક્ષત્રિયો સદા પોતાની સ્ત્રીઓને સળગાવી મૂકીને કેસરિયાં કરવા નીકળતા; એટલે પરાજિત અવસ્થામાં