પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૧
કલાવતી


 એટલામાં રાણીએ પોતાનો ઘોડો તેની તરફ દોડાવીને પોતાની તેજ તલવારથી એ સિપાઈના બે કટકા કરી નાખ્યા; પરંતુ થોડી વાર પછી રાજાને એક બીજો કારી ઘા વાગ્યો. રાજાની એ દશા જોઈને રાણી ઘણા ગુસ્સાથી શત્રુસૈન્ય સાથે લડવા લાગી. રાણીનું પરાક્રમ જોઈને રજપૂત યોદ્ધાઓને વધારે શૂર ચડ્યું અને તેઓ બેવડા પરાક્રમથી લડવા લાગ્યા. આખરે રાણી અને રજપૂત વીરોની વીરતા આગળ યવનોની સેના ટકી શકી નહિ. તેમને યુદ્ધ ભૂમિમાંથી નાસવું પડ્યું. રાણી કલાવતી પોતાના પતિને લઇને રાજધાનીમાં પાછી ફરી અને હોશિયાર વૈદ્યોને બોલાવીને તેમની દવા કરાવવા લાગી. રાજાના ઘા ઉપર વૈદ્યોએ ઘણાએ મલમપટા કર્યા, પણ જ્યારે તેથી કાંઈ પણ ફાયદો ન જણાયો ત્યારે તેમણે રાણીને કહી દીધું કે, “આ ઘા ઝેર પાયેલા હથિયારનો છે. જો ઝેરને કોઈ ચૂસી લે, તો રાજાને આરામ થઇ શકશે, પણ ચૂસનારો મરી જશે. એના વગર રાજાને મટાડવાનો બીજો કોઇ ઉપાય નથી.” રાણીએ વિચાર કર્યો કે, “સૌને પોતપોતાનો જીવ વહાલો હોય છે, માટે બીજા કોઈને સોંપવા કરતાં મારે પોતેજ પતિના આરોગ્ય ખાતર એ કામ કરવું જોઈએ.” આથી જેવા રાજા સૂઈ ગયા હતા ત્યારે એણે રાજાના ઘાનું ઝેર ચૂસી લીધું અને ચૂસતાવારજ એ કારી ઝેરની અસર એના ઉપર એટલી બધી થઈ ગઈ કે એ તરતજ મરી ગઈ. રાજાની આંખ ઊઘડી ત્યારે એમણે આ સમાચાર સાંભળીને કહ્યું: “જે પ્રાણપ્યારીએ મારા પ્રાણ બચાવવા માટે પોતાનો પ્રાણ આપ્યો, તેના વગર હું પણ આ દુનિયામાં જીવીને શું કરૂં ?” તેમણે પણ તરતજ પોતાના પેટમાં કટારી ખોસીને પ્રાણ ત્યજ્યો. ધન્ય છે એ પતિપત્નીને જેમણે એક બીજાની ખાતર જિંદગીના મોહને છોડી દીધો ! પતિની ખાતર પ્રાણ સમર્પણ કરનાર આ સ્ત્રીઓનાં દૃષ્ટાંત તો ઘણાં મળી આવે છે; પરંતુ પત્નીના વિયોગથી જીવનને નિરર્થક ગણીને આત્મોત્સર્ગ કરનાર પુરુષનાં દૃષ્ટાંત વિરલજ હોય છે. ધન્ય છે એ દંપતીને !