પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



९७–जयशिखरीनी राणीओ

ગુજરાતના ચાવડા વંશના રાજા જયશિખરીનું રાજા ભુવડની સાથે યુદ્ધ કરતાં મૃત્યુ થયું હતું તથા તેની પટરાણી રૂપસુંદરી પતિની આજ્ઞા મુજબ ગર્ભના સંરક્ષણ સારૂ વનમાં ગઈ હતી, તે આપણે આગલા ચરિત્રમાં જોઈ ગયા છીએ. અમે અહીં એટલુંજ જણાવવા માગીએ છીએ કે એ સમયે ગુર્જરેશ્વરના અંતઃપુરની સર્વ રાણીઓ અને દાસીઓ વીર અને સ્વામીભક્ત હતી. યુદ્ધમાં રાજા જયશિખરીનું મૃત્યુ થયું તે સમયે બીજી કોઈ દુર્બળ ચિત્તની સ્ત્રી હોત તો ત્યાંથી પલાયન કરી જાત અથવા તો ચુપચાપ મહેલમાં અગ્નિ સળગાવી બળી મરત; પરંતુ જયશિખરીની દાસીઓએ મરતાં મરતાં પણ શત્રુઓને ગુજરાતનું પાણી બતાવવાનો સંકલ્પ કર્યો હતો.

ભુવડ રાજાની ફોજ તેના રાજનગરને લૂંટતી લૂંટતી રાજા જયશિખરીના મહલ આગળ આવી પહોંચી. શત્રુઓને સામેથી આવતા જોઈને જયશખરીની પાંચસો દાસીઓ હાથમાં તલવાર અને મજબૂત લાઠીઓ લઈને બહાર નીકળી, અને ‘મારો, મારો’ કરતી શત્રુઓના ઉપર તૂટી પડી. એ સમયે એ સર્વેએ વીર ચંડીનાં રૂપ ધારણ કર્યાં હતાં. જીવવાની ઇચ્છા તેમણે સમૂળગી છોડી દીધી હતી અને ક્ષાત્રતેજથી ઉત્સાહિત થઈને શત્રુઓ સાથે યુદ્ધ કરવા નીકળી હતી.

શત્રુને સતાવવામાં તેમણે કાંઈ કચાશ રાખી નહોતી. કોઈએ તો શત્રુપક્ષના યોદ્ધાઓને ગળું પકડીને ભોંચમાં ખૂબ રગદોળ્યા, કોઈએ તો તીક્ષ્ણ દાંત વડે શત્રુઓનું માંસ તોડી ખાધું. ભુવડના સૈનિકો સ્ત્રીઓથી ત્રાસ પામીને બૂમરાણ કરી મૂકવા લાગ્યા અને તેમના હાથમાંથી બચવું કઠણ છે, એમ ધારીને પૂરપાટ શહેરના દરવાજા તરફ નાઠા. શૂરવીર સ્ત્રીઓએ ‘મારો ! દુષ્ટોને મારો !’ એવા પોકારાથી ત્યાં પણ એમની પૂંઠ પકડી.

૨૦૧