પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૩
કોટારાણી



સ્વર્ગવાસ થયો. તેમને કંઈ સંતાન નહોતું, એટલે તેની રાણી કોટાએજ રાજ્યની લગામ પોતાના હાથમાં લીધી.

મહારાજા ઉદયદેવના સમયથીજ શાહમીર નામે એક પુરુષ કારભારીની પદવી ભોગવતો હતો. આસપાસનાં કેટલાંક કારણોથી રાજ્યનું બળ ઘણા દિવસથી ઘટી ગયું હતું; એટલે કોટારાણીને સિંહાસનારૂઢ થયાને નવ મહિનાનો સમય થયા પછી, તે વિશ્વાસઘાતી કારભારીએ ધીમે ધીમે રાજ્યના બીજા બધા અમલદારોને પોતાના પક્ષના કરી લેવા માંડ્યા. એ પ્રમાણે પોતાનોને પક્ષ મજબૂત કર્યા પછી એણે કોટારાણીને પદભ્રષ્ટ કરી દીધી અને પોતેજ કાશ્મીરનો રાજા બની ગયો. કાશ્મીરની પ્રજાએ તો એને પોતાના રાજા તરીકે સ્વીકાર્યો નહિ, પરંતુ તેમનામાં એને ગાદીએ બેસતાં અટકાવવા જેટલી શક્તિ નહોતી; એટલે શાહમીર નિર્વિઘ્ને રાજા બની ગયો. પરંતુ નિમકહરામ શાહમીરની દુરાકાંક્ષા એટલેથીજ તૃપ્ત થઈ નહિ. તેણે રાણી કોટા સાથે લગ્ન કરીને તેને પોતાની પત્ની બનાવવાનો નીચ સંકલ્પ કર્યો.

રાણી કોટાને તેના એક વિશ્વાસુ નોકર મારફતે એ બાબતની ખબર મળી. તેના હૃદયને ઘણો ઊંડો ઘા લાગ્યો. એ વિશ્વાસુ સેવકની સહાયતાથી એ રાજધાનીમાંથી પલાયન કરી ગઈ; પરંતુ દુષ્ટ શાહમીરના માણસોએ તેને ગુપ્તવાસમાં પણ ઝાઝા દિવસ રહેવા દીધી નહિ. તેઓ તેને પકડીને રાજધાનીમાં લાવ્યા. દુષ્ટ શાહમીરે હવે ખુલ્લી રીતે લગ્નની તૈયારી કરવા માંડી. આખા શહેરમાં હાહાકાર વર્તી રહ્યો. પોતાના સ્વર્ગવાસી મહારાજાની પ્રિય પત્નીનું શિયળ આજે એક અધમ મુસલમાનને હાથે ભંગ થશે, એ વિચારથી પ્રજાજનોને ત્રાસ ઊપજવા લાગ્યો.

પરંતુ રાણી કોટાએ જીવના જોખમે પોતાનું શિયળ સાચવવાનો સંકલ્પ કરી રાખ્યો હતો. જે વખતે નરાધમ શાહમીર તેનું પાણિગ્રહણ કરવા લગ્નમંડપમાં આવ્યો, તેજ સમયે એણે સંતાડી રાખેલી કટાર પોતાના પેટમાં મારીને આપઘાત કર્યો.

રાણી કોટાની સાથે કાશ્મીરનું હિન્દુ રાજ્ય પાછું સમાપ્ત થયું. શિયળને સારૂ દેહનું બલિદાન આપનાર રાણી કોટાને ધન્ય છે !

એક માન્યતા એવી પણ છે કે સતી કોટાએ પોતાની તીક્ષ્ણ કટારથી નરપિશાચ શાહમીરને પણ જહન્નમવાસી કરી દીધો હતો.