પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૫
હમીરમાતા ને હમીરપત્ની



કન્યા માળા ઉપરથી જાનવરોને હાંકવા માટે પથ્થર ફેંકી રહી હતી. તેમાંથી એક પથ્થરે આટલે દૂર આવીને ઘોડાનો પગ ભાંગી નાખ્યો હતો. ખેડૂતકન્યાના બળનું આ બીજું પ્રમાણ મળવાથી બધા રજપૂતો આશ્ચર્ય પામી ગયા. એ કુમારીને જ્યારે ખબર પડી કે પથ્થરે રાજકુમારના ઘોડાને ઘાયલ કર્યો છે, ત્યારે એ ઘણી શરમાઈ ગઈ અને ભયભીત થઈને રાજકુમાર પાસે જઈને બોલી: “રાજકુમાર ! મને ક્ષમા કરો. મારી ગફલતથી આપના ઘોડાને સખ્ત ઈજા થઈ છે. હું સ્ત્રીજાતિ છું. આપની પ્રજા છું. મારો અપરાધ મનમાં ન આણશો.”

અરિસિંહે હસીને કહ્યું: “ક્ષમા તો આપીશ, પણ તારી શક્તિ જોઈને અમે બધા છક થઈ ગયા છીએ. તારી બરાબરી કરી શકવાનું અમારામાંથી કોઈનું ગજું નથી. તારા જેવી બળવાન સ્ત્રીઓ મારા દેશમાં ઘણી હોય તો દરેકને હાથે ફેંકાયેલા પથ્થરથી મારા દશ દશ ઘોડાના પગ તૂટી જાય તો પણ હું પરવા ન કરૂં ! મને અફસોસ એટલોજ થાય છે કે અત્યારે તને ભેટ આપવા લાયક કોઈ વસ્તુ મારી પાસે નથી.”

ખેડૂતકન્યાએ કહ્યું: “રાજપુત્ર ! આપે મને ક્ષમા આપી છે, તથા આપની મારા ઉપર કૃપા છે, એજ મારે મનથી મોટું ઈનામ છે. મારે બીજું કાંઈ ઈનામ જોઈતું નથી. ગરીબ રૈયતનું સ્મરણ રાખો, એજ પ્રાર્થના છે.” રાજપુત્રને પ્રણામ કરીને ખેડૂતકન્યા પોતાને કામે વળગી.

અરિસંહ પોતાના સોબતીઓ સાથે રાજધાની તરફ જવા નીકળ્યો. રસ્તામાં પાછો એમને એ ખેડૂતકન્યા સાથે મેળાપ થયો. માથા ઉપર એક હાંલ્લું મૂકીને તથા બે હાથમાં બે ભેંસોની સાંકળ પકડીને એ ઘેર પાછી જતી હતી. રાજકુમારના સાથીઓમાંથી એક જણાના મનમાં વિચાર આવ્યો કે, આ છોકરીએ આજે અમને નીચું જોવડાવ્યું છે માટે હવે એને પણ જરા હંફાવવી જોઈએ. એમ વિચારીને એણે પોતાના ઘોડાને એવો પૂરપાટ દોડાવ્યો કે, એની ઠોકરથી ખેડૂતકન્યાના માથા ઉપરનું હાંલ્લું પડી જાય. ખેડૂતકન્યા પણ તેનો મનસૂબો સમજી ગઈ. એણે જરાક હસીને પોતાના હાથમાંની સાંકળ ઘોડાને એવા જોરથી મારી કે, એ કૌતુકપ્રિય રજપૂત ઘોડાસમેત નીચે પડી ગયો.