પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



બાપદાદાની રાજધાનીમાં જવાથી હું કૃતાર્થ થઇશ.”

વિવાહનો દહાડો નક્કી થયો. હમીર પાંચસો સવાર લઇને ચિતોડ ગયો. પણ ત્યાં આગળ વિવાહની કાંઈ તૈયારી નહિ જોતાં એ વિસ્મય પામ્યો. માલદેવ અને તેના પુત્રે તેમનો સત્કાર કર્યો અને તેમની રૂબરૂ જ તેમનો વિવાહ થઈ ગયો.

રાત્રે પિતૃગૃહમાં હમીર સૂતો હતો. નવવધૂ હમીરને પ્રણામ કરીને દૂર ઊભી રહી. હમીરે તેને પાસે આવવાનું કહ્યું. તેણે નીચે મોંએ કહ્યું: “મહારાણા ! દાસીને ક્ષમા કરો. સ્ત્રી તરીકે આપની શય્યામાં સૂઈ રહેવાને યોગ્ય હું નથી.”

હમીરે કહ્યું: “માલદેવ અમારા દેશના શત્રુ–પઠાણોને શરણે ગયા છે એ જાણવા છતાં પણ હું મારી ઈચ્છાથી તને પરણ્યો છું. સ્ત્રી ગમે તે કુળની હાય, ગમે તેની છોકરી હોય તો પણ સ્વામીના આદર અને સન્માનને તે પાત્ર છે. તો પછી તું આવાં વચન શા માટે બોલે છે ?”

માલદેવકન્યાએ કહ્યું: “મહારાણા ! પિતાની નીચતાને લીધે હું આખી જિંદગીને માટે લજ્જિત અને દુઃખી થઈ છું. પિતા પઠાણના તાબામાં છે તેથી હું તેમને દેશના શત્રુ ગણીને ધિક્કારૂં છું. મેવાડના ગૌરવરૂપ રાણાવંશીઓજ મારે માટે સદા પૂજ્ય છે. આપને પણ દેવતારૂપ ગણીને ઘણા સમયથી મારા હૃદયમાં પૂજ્યા કરતી હતી, એટલે આપના ચરણકમળ આગળ બેસીને આપની ચરણસેવા કરવાને માટે હું અયોગ્ય નથી; પણ એક બીજું કારણ છે કે જેને લીધે મહારાણાની રાણીના ગૌરવયુક્ત પદની હું અધિકારી છું કે નહિ, તે બાબતનો સંદેહ રહે છે. મહારાણા ! તમે વિચાર કરીને મારો સંશય નિવારો.”

હમીરે કહ્યું: “એ શું કારણ છે તે જાણ્યા વગર હું વિચાર કેવી રીતે કરી શકું ?”

માલદેવકન્યાએ કહ્યું: “મહારાણા ! હું વિધવા છું. હું સાવ નાની હતી ત્યારે મારૂં લગ્ન ભટ્ટી વંશના કોઈ સેનાપતિ સાથે થયું હતું. વિવાહ પછી થોડા વખતમાં એ સ્વામીનું મૃત્યુ થયું. વિવાહ સંબંધી તથા સ્વામી સંબંધી કોઈ વાત મને યાદ નથી. મારા પિતાએ દુશ્મનાવટને લીધે આપનું અપમાન કરવા સારૂં આપની સાથે પોતાની વિધવા કન્યાનો વિવાહ કરી દીધો છે.