પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૯
હમીરમાતા ને હમીર૫ત્ની



વિધવાના સંસર્ગથી રાણાવંશને કલંકિત કરવાનો તેમનો ઉદ્દેશ છે. વિવાહની અગાઉથી આ વાતની રખે કોઈને ખબર પડી જાય એમ ધારીને, એમણે પોતાનાં કોઈ સગાંસંબંધીઓને નિમંત્રણ કર્યું નહોતું એટલા માટે જ ચિતોડના રાજા હોવા છતાં પણ એમણે કાંઈ ધામધૂમ કરી નહોતી.”

હમીર સ્તંભિત થઈને બેસી રહ્યો. ક્રોધ અને અભિમાનને લીધે તેનું બધું અંગ કંપવા લાગ્યું. માલદેવે વિશ્વાસઘાત કરીને પોતાને ઘેર બોલાવી તેને મારી નાખવા યત્ન કર્યો હોત તો પણ તે આટલો બધો ગુસ્સે ન થાત.

પરંતુ પરણેલી સ્ત્રી, માલદેવકન્યા સામેજ ઊભેલી હતી. એ પરમ સુંદરી હતી. અતુલનીય સરળતા, ઉદારતા અને આત્મત્યાગનો મહિમા એ સૌંદર્ય ઉપર એક સ્વર્ગીય પ્રકાશ પાડી રહ્યો હતો. રમણીની સુલભ કોમળતામાં ચરિત્રની દૃઢતા અને તેજસ્વિતા ભળી જવાથી એ મુખ અપૂર્વ વિકસી રહ્યું હતું. હમીરે તેની તરફ ધારીને જોયું. જોતાંવારજ તેનો પ્રાણ મુગ્ધ થઈ ગયો. રોષ અને અભિમાનનો આવેગ ધીમો પડી ગયો. માલદેવકન્યાએ તેને ફરીથી કહ્યું: “મહારાણા ! મને અપરાધી ગણશો નહિ. વિવાહના મંત્રોજ ફક્ત ઉચ્ચારાયા છે, હજુ પણ આ હીન દેહના સ્પર્શથી આપના ચરણ કલંકિત થયા નથી. બધી વાત સાચેસાચી મેં આપને નિવેદન કરી છે. હમણાં ને હમણાંજ મારો ત્યાગ કરીને આપ આપના વંશને નિર્મળ અને નિષ્કલંકિત રાખી શકશો. આગલા વિવાહનું કે આગલા સ્વામીનું તો મને સ્મરણ પણ નથી. કુમારિકાની પેઠે મારૂં ચિત્ત નિર્મળ છે. હું પોતે આપને સ્વામી ગણીને મનમાં ને મનમાં આપની પૂજા કરવાની અધિકારી છું; એટલા માટેજ મેં એ વિવાહમાં વાંધો લીધો નહિ. મનમાં વિચાર્યું હતું કે આપને બધી હકીકત કહી દઈશ. જો આપ બધું સાંભળ્યા પછી પણ આપની ચરણસેવા માટે યોગ્ય ગણશો તો હું મારા જીવનને સફળ ગણીશ. જો તેમ નહિ કરો તો, સ્વામી તરીકે હૃદયમાંજ આપની માનસિક પૂજા કરવાનો મારો અધિકાર તો કોઇથી છીનવી શકાય એમ છેજ નહિ; એમાં પણ આ અભાગિણી તો સંપૂર્ણ સુખ અને ગૌરવ માનશે.”

હમીર એકદમ મુગ્ધ અને વિસ્મિત થઈ ગયો. પત્નીને આલિંગન દઈને તેણે કહ્યું: “તારા જેવી સરળ અને ઉદાર હૃદયની