પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



નારી ચિતોડના રાણાની રાણી થવા યોગ્ય છે. તારા જેવું રત્ન પ્રાપ્ત થયાથી રાણાવંશ ધન્ય થશે; કલંકિત થશે નહિ. માલદેવનો ઉદ્દેશ ગમે તેવો હશે પણ વસ્તુતઃ આવું રક્તદાન કરીને એ મારા ધન્યવાદને પાત્ર થયો છે.”

સ્વામીની પાસેથી આટલી ક્ષમા અને કૃપાની આશા માલદેવકન્યાએ રાખી નહોતી. આશા કરતાં પણ વધારે સુખ મળવાથી એ પ્રસન્નભાવે સ્વામીની છાતી ઉપર ઢળી પડી. પછી ધીમેથી એ બોલી: “મહારાણા ! રાણાવંશજોને ચિતોડમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ચિતોડના રજપૂતો પઠોણાના તાબામાં છે, એ વિચાર મને અસહ્ય થઈ પડ્યો છે. મારા પિતા પોતે ચિતોડના માલિક છે એ વિચારથી પણ મને ધીરજ વળતી નથી. આપ ફરીથી ચિતોડનો ઉદ્ધાર કરીને ચિતોડવાસીઓને પોતાના દેશમાંજ ગૌરવપૂર્વક વસાવો, એજ મારી અંતઃકરણની ઇચ્છા છે. સામાન્ય સ્ત્રી હોવા છતાં પણ આપની કૃપાથી આજ હું આપની સહધર્મિણી બની છું. એ મહાન પદનું કર્તવ્ય-પાલન કરવાની રજા દાસીને હવે આપ આપો છો ?”

હમીર બોલ્યો: “જરૂર રજા આપીશ. તારા જેવી જીવનસંગિની મળી છે તો હું નિશ્ચય ચિતોડનો ઉદ્ધાર કરી શકીશ.”

માલદેવકન્યાએ કહ્યું: “જાલ નામનો મારા પિતાનો એક વિશ્વાસુ નોકર છે. એ ઘણોજ ચતુર અને બહાદુર છે. રાજ્યરક્ષા અને રાજ્યપ્રબંધમાં આજે મારા પિતાને મુખ્ય મદદ આપે છે. આપ લગ્નની પહેરામણીમાં પિતાજી પાસેથી જાલને માગી લેજો. મારી ખાતરી છે કે જો એ આપના પક્ષમાં આવશે તો આપ જરૂર ચિતોડનો ઉદ્ધાર કરવામાં સમર્થ થશો.”

બીજે દિવસે પત્નીની સલાહ મુજબ હમીરે સસરા પાસેથી પહેરામણીમાં જાલને માગી લીધો. માલદેવ પણ જમાઈની વિનંતિ પાછી ઠેલી શક્યો નહિ.લગ્નના થોડાક દિવસ પછી, હમીર પત્નીને તથા વિશ્વાસુ નોકર જાલને લઇ કેલવાડા ગયો.

થોડા દિવસ પછી હમીરને એક ક્ષેમસિંહ નામનો પુત્ર થયો. એ પુત્રજન્મના ઉત્સવ પ્રસંગે માલદેવે કેલવાડા અને તેની પાસેનો પ્રદેશ દૌહિત્રને દાન કર્યો.

ચિતોડમાં ક્ષેત્રપાળ નામે એક દેવ પ્રતિષ્ઠિત હતા. પુત્રના