પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૧
૩૭૧
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



કલ્યાણને માટે તેને ક્ષેત્રપાલ દેવતાને પગે લગાડવા જવું પડશે એમ કહીને પતિની રજાથી, જાલને સાથે લઈને હમીર–પત્ની ચિતોડ ગઈ. ચિતોડ ગયા પછી તેણે જોયું કે, માલદેવ અને તેના પુત્રો પોતાનું સૈન્ય લઈને કોઈ શત્રુની સામે યુદ્ધ કરવા ગયા છે. ચિતોડનો ઉદ્ધાર કરવાનો એ ઠીક અવસર હતો. જાલની સલાહ લઈને હમીરપત્નીએ ચિતોડમાં વસનારા મુખ્ય રજપૂતોને બોલાવીને કહ્યું: “રજપૂત વીરો ! હવે તમે કેટલા દિવસ પઠાણોના તાબામાં પડ્યા રહેશો ? તમે બધા મદદ આપો તો રાણાજી ચિતોડનો ઉદ્ધાર કરી શકે એમ છે. રજપૂત કોઈ દિવસ પરદેશીની અધીનતા સહન કરી શકતો નથી. સ્વદેશની સ્વાધીનતાને માટે, રજપૂત જાતિના ગૌરવના રક્ષણને માટે હજારો રજપૂત વીરોએ સમરક્ષેત્રમાં અને રજપૂત વીરાંગનાઓએ અગ્નિમાં પોતાના દેહ સમર્પણ કર્યા છે.

“જે પઠાણોના અત્યાચારથી બચવા માટે આપના બાપદાદાઓએ લોહીની નદીઓ વહેવરાવી છે અને આપની દાદીઓએ પવિત્ર દેહને અગ્નિમાં ભસ્મીભૂત કરી નાખ્યા છે, તે પઠાણોના તાબામાં આજ તમે નામર્દ થઈને શું મોં લઈને પડ્યા રહ્યા છો ? પરાધીન થઈને ભોગવિલાસમાં સમય ગાળતાં તમને શરમ નથી આવતી ? તમારા દેહમાં એજ ક્ષત્રિયનું લોહી વહેતું નથી ? તમારા પ્રાણમાંથી એ રજપૂતોની મહત્તા અને તેજસ્વિતાનો અંશમાત્ર પણ બાકી નથી રહ્યો ?

“જો આ પ્રમાણે આળસુ થઈને પરાધીનતાની બેડી પહેરી રાખવાનીજ તમારી મરજી હોય તો તમે તમારા વીર માતાપિતાના આત્માને દુભાવવાના દોષથી દૂષિત થશો. પઠાણોથી રક્ષિત, પઠાણોના તાબેદાર માલદેવ હમણાં ચિતોડમાં નથી; એટલે ચિતોડનો છુટકારો કરવાનો આ યોગ્ય અવસર આવી પહોંચ્યો છે. દેશને માટે, જાતીય ગૌરવને માટે તમને જરા પણ લાગણી હોય, પઠાણોની સાથે લડતાં લડતાં ઘાયલ થઈને સ્વર્ગમાં ગયેલા બાપદાદાઓ ઉપર જરા પણ શ્રદ્ધા હોય, તો ખરા રજપૂતની પેઠે દૃઢતાથી આજે ચિતોડનો ઉદ્ધાર કરવા તૈયાર થાઓ. રાણાજી સૈન્ય સાથે કેલવાડા તમારી રાહ જોઈ રહ્યા છે. તમે એમને મદદ આપવા તૈયાર છો, એવી ખબર મળતાં વારજ એ અહીં આવી પહાંચશે.”