પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૪
૩૭૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


 કર્મદેવીએ પૂર્વે કદી સાધુને દીઠો નહોતો. તેના વીરત્વનાં વખાણ સાંભળીનેજ એ તેના ઉપર આસક્ત થઈ હતી. આજે એ વીરયુવકની વીરતેજથી ચળકતી ભવ્ય મૂર્તિ પોતાની આંખે જોઈને અત્યંત મુગ્ધ થઈ ગઈ. કર્મદેવીએ તેને વરવાનો નિશ્ચય કર્યો.

તેના પિતાએ પહેલેથી રાઠોડ રજપૂત અરણ્યકદેવની સાથે તેનો વિવાહ કર્યો હતો. રાઠોડનું કુળ સાધુના કુળ કરતાં શ્રેષ્ઠ હતું. મારવાડનું રાજ્ય ઘણું પરાક્રમી હતું; પુગલ તો જેસલમીરના તાબાનું એક નાનું સરખું શહેર હતું, સાધુ એક નાના શહેરના રાજાનો કુમાર હતો. વળી પહેલેથીજ નક્કી કરેલી સગાઈ તોડી નાખવાથી મારવાડનો રાજા તેનું વેર વાળ્યા વગર રહે એમ નહોતું. પ્રબળ મારવાડરાજના ક્રોધમાંથી પોતાનું રક્ષણ કરવા જેટલી શક્તિ પુગલ રાજ્યમાં ક્યાંથી હોય ? આ બધી વાતો કર્મદેવીને તેની સખીઓએ સારી પેઠે સમજાવી; પરંતુ કર્મદેવીએ ઉત્તર આપ્યો: “ઊંચું કુળ અને રાજ્યસંપત્તિ કરતાં, રજપૂત બાળા વીરત્વનો ઘણો આદર કરે છે, સાધુ જેવા વીરની સહધર્મિણી થવાનું મળે તો હું મારવાડના તો શું પણ આખી દુનિયાના રાજ્યને લાત મારવા તૈયાર છું. અંતઃકરણના પ્રેમ વગર રાઠોડ રાજાની રાણી થઈને મુંદરમાં રાજવૈભવ ભોગવવાની મને ઇચ્છા નથી, સાધુની સાથે ઘોડા ઉપર બેસીને ફરવા જવામાં મને ઘણી મજા પડશે. એ વીરના પરાક્રમ અને સદ્‌ગુણોથી મુગ્ધ થઈને હું મનમાં ને મનમાં તેને વરી ચૂકી છું. એજ મારા સ્વામી છે.ભય કે લોભને લીધે હવે હું બીજા કોઈની પત્ની બની શકું એમ નથી. આટલી બહાદુર હોવા છતાં, આટલા બધા યુદ્ધોમાં વિજયી નીવડ્યા હતાં પણ સાધુ મારવાડની વિરુદ્ધ થઈને મારૂં રક્ષણ નહિ કરી શકે તો હું માની લઈશ કે, પાર્થિવ સુખ મારા નસીબમાંજ નથી. તેના મૃત દેહની સાથે ચિતામાં બળી મરીને હું આ પાર્થિવ દેહનો ત્યાગ કરીશ તથા સ્વર્ગમાં એમની સાથે દિવ્ય સુખ ભેગવીશ.”

તેની સખીઓ શાંત થઈ ગઈ. પોતાની કન્યાના દૃઢ સંકલ્પની વાત માણિકરાવના જાણવામાં આવી. કન્યાને સમજાવવા તેણે પણ પ્રયત્ન કર્યો; પણ એ પ્રયત્ન વ્યર્થ ગયો. આખરે માણિકરાવે સાધુની પાસે જઈને કર્મદેવીને વરવાની વિનતિ કરી.

સાધુએ તેની વાતચીત સાંભળી લીધી. એ વિવાહને નિમિત્તે મારવાડના રાજા સાથે યુદ્ધ કરવું પડશે એવી તેને ખાતરી હતી;