પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



ચિંંતાતુર થયા. આ યુદ્ધ સાધુ અને અરણ્યકદેવની વચ્ચે પોતપોતાની ટેક સારૂ થવાનું હતું, તો પછી નિરર્થક બીજા લોકોના જાનને શા માટે જોખમમાં નાખવા ? એમણે સૈનિકોને આઘા જતા રહેવાનો હુકમ આપ્યો અને પાછા બંને જણ દ્વંદ્વયુદ્ધ કરવા માટે તૈયાર થયા.

એ વખતે સાધુ પોતાની પત્ની પાસે છેવટની વિદાય લેવા ગયો. કર્મદેવી એટલો વખત સુધી ઊંચી આંખે ઉત્સુકતાથી યુદ્ધ જોઈ રહી હતી. સાધુ વિદાય માગવા આવ્યો ત્યારે તેણે હસીને કહ્યું: “ઘણી ખુશીથી સિધાવો ! મેં મારી આખે તમારૂં વીરત્વ અને રણકૌશલ્ય કોઈ દિવસ જોયું નથી, આજ એ જોઈને નયન સાર્થક કરીશ. જાઓ, રણક્ષેત્રમાં શત્રુની સાથે વીરતાથી યુદ્ધ કરીને વિજય મેળવો. જય ના મળે તો યુદ્ધક્ષેત્રમાં મરણ પામીને તમારી પ્રતિષ્ઠા સાચવજો, મારી કાંઈ ચિંતા કરશો નહિ. તમારા મૃત્યુથી હું દુઃખી નહિ થાઉં. મારા દુઃખનો વિચાર કરીને યુદ્ધક્ષેત્રમાંથી પાછા આવશો નહિ. યુદ્ધમાં તમે કામ આવશો તો હું તમારી સાથે ચિતામાં પ્રવેશ કરીશ એ ખાતરી રાખજો.”

સાધુ અને અરણ્યકદેવ યુદ્ધક્ષેત્રમાં ઉપસ્થિત થયા. વીર પુરુષોની રીત પ્રમાણે બંને એકબીજાને માનપૂર્વક પ્રણામ કરીને દ્વંદ્વયુદ્ધ કરવા લાગ્યા.

બંને જણા એક બીજાના મસ્તકને લક્ષમાં રાખીને ઘણીજ સ્ફૂર્તિથી તલવારો ચલાવવા લાગ્યા. તલવારના ઘાથી બંને જણ જમીન ઉપર એક સાથે પડ્યા. થોડી વાર પછી અરણ્યકદેવને ચેતના આવી, પણ સાધુ તો પાછો ઊઠ્યોજ નહિ.

કર્મદેવી ચુપચાપ ઊભી રહીને જોયા કરતી હતી. સાધુ નીચે પડ્યો એટલે એ તેની પાસે ગઈ. તેની આંખમાં આંસુ નહોતાં, મોં ઉપર વિષાદના ચિહ્‌ન નહોતાં. આ સંસારમાં સ્વામીની સાથે સુખ ભોગવી શકી નહિ તો પરલોકમાં જરૂર અનંતકાળ સુધી એ સ્વર્ગીય સુખ ભોગવાશે, એ વિચારને લીધે પતિના આવા અકાળ મૃત્યુ માટે તેણે જરા પણ ખેદ કર્યો નહિ. એ જાણતી હતી કે સ્વામીના આત્મા સાથે તેનો આત્મા મળી ચૂવ્યો હતો. મૃત્યુમાં એટલી શક્તિ ક્યાં છે કે આત્માઓના યોગનો વિચ્છેદ કરી શકે ? તો પછી સ્વામીના વીરક્ષેત્રમાં આબરૂભેર થયેલા મૃત્યુથી વીર નારી