પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૭
સાધુપત્ની કર્મદેવી


કર્મદેવી શા માટે ભયભીત થાય ? તરતજ નોકરને બોલાવીને ચિતા તૈયાર કરવાનો તેણે હુકમ આપ્યો.

ચિતા તૈયાર થઈ. સ્વામીને પોતાના હાથે કાળજીપૂર્વક ચિતા ઉપર સુવાડીને, કર્મદેવીએ તેની તલવાર પોતાના હાથમાં લીધી તથા પોતાને હાથે એ તલવારના ઘાથી બીજો હાથ કાપીને સ્વામીના એક વિશ્વાસુ સેવક સાથે સસરાની પાસે મોકલ્યો અને કહ્યું કે, “સસરાજીને મારા સવિનય પ્રણામ કહેજો. તેમના ચરણનાં દર્શન કરવાનું મારા ભાગ્યમાં લખ્યું નહોતું. આ મારો કપાયલો હાથ તેમના ચરણ આગળ મૂકીને કહેજો કે, તમારી પુત્રવધૂનું રૂપ આવું હતું.”

એટલું કહીને તેણે પાસે ઊભેલા બીજા નોકરને તલવાર આપીને કહ્યું: “આ એક હાથ મારાથી કાપી શકાશે નહિ, માટે તું એ હાથ કાપી નાખ.”

નોકર હુકમ પ્રમાણે કર્યું.

કર્મદેવીએ કહ્યું: “આ હાથ તું લઈ જા, એ હાથ મોહિલ રજપૂતોના ભટ્ટી કવિને આપજે.”

આ પ્રમાણે બે હાથ કાપીને કર્મદેવી ચિતામાં સ્વામીની પડખે જઈને સૂઈ ગઈ. ચિતા સળગી. જોતજોતામાં વીર અને વીરાંગનાના અનુપમ રૂપમય દેહ બળીને ભસ્મીભૂત થઈ ગયા.

કર્મદેવીનો છિન્ન હાથ પુગલ પહોંચ્યો. વૃદ્ધ રણંગદેવ પુત્રવધૂનો હાથ જોઈને ઘણું રોવા લાગ્યો. ત્યાર પછી ચંદન વગેરે સુગંધીદાર કાષ્ઠની ચિતા ખડકાવીને તેમાં એ હાથનો અગ્નિસંસ્કાર કરાવ્યો તથા એ જગ્યાએ એક મોટું તળાવ બંધાવ્યું. એ તળાવ કર્મદેવી સરોવરના નામથી પ્રખ્યાત થયું.

મારવાડના કુમાર અરણ્યદેવને સાધુને હાથે જે ઘા લાગ્યા હતા તે ઘા બિલકુલ રૂઝાયાજ નહિ. છ મહિનામાં એ પણ સ્વર્ગવાસ પામ્યો.