પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૯
સાધ્વી રૌશનઆરા



થયો હતો અને ઈશ્વર ઉપર તેની પૂરી ભક્તિ હતી. એને સર્વદા પરમેશ્વરની આરાધના અને જપ કરવાનું તથા કુરાન શરીફનો પાઠ કરવાનું ગમતું. હમેશાં સાચું બોલતી, કોઈ પણ દિવસ જૂઠું બોલતી નહિ; એટલું જ નહિ, પણ મિથ્યાવાદીઓ ઉપર તેને ખરા અંતઃકરણથી તિરસ્કાર ઊપજતો. બાલ્યાવસ્થાથીજ નઠારા સ્વભાવનાં બાલકબાલિકાઓ સાથે રમવાનું પણ એને પસંદ નહોતું. ઈ○ સ○ ૧૨૮૩ માં પાંચ વર્ષની વયે તેને નિશાળે બેસાડવામાં આવી, જે ‘મક્તબ’ માં તેનો વિદ્યારંભ થયો હતો, તે મક્તબના શિક્ષક હમેશાં કહેતા કે, “આગળ જતાં આ કન્યા આધ્યાત્મિક સાધનામાં અસાધારણ ઉન્નતિ કરશે.” રૌશનઆરાના ત્યાર પછીના જીવનમાં એ શિક્ષકની ભવિષ્યવાણી અક્ષરે અક્ષર સાચી પડી છે.

મુસલમાન લોકોના ધર્મ અનુસાર બાલકબાલિકાઓને ભણાવવાનું શરૂ કરતાંવારજ સૌથી પહેલાં એમના ધર્મનો પવિત્ર ગ્રંથ કુરાનનો પાઠ કરાવવામાં આવે છે. હિંદુઓમાં પણ “શ્રી ગણેશાચ નમઃ” કરાવી ધાર્મિક સંસ્કારો બાળકોના ચિત્ત ઉપર પડવાનો રિવાજ હતો, તેને બદલે હવે તો ‘બા ચા પા’ થીજ આરંભ કરી વિદેશીઓના આ પરમ પ્રિય પેયનું ધ્યાન ધરાવાય છે. અસ્તુ ! રૌશનઆરાનોને અભ્યાસક્રમ પણ એજ પ્રાચીન રિવાજ મુજબ ચાલ્યો. ઈ. સ. ૧૨૯૨ સુધી એટલે કે દશ વર્ષ પર્યંત તેણે ગુરુજી પાસે અરબી સાહિત્ય અને વ્યાકરણ આદિનો અભ્યાસ કર્યો. ૧૨૯૩ ની સાલમાં એણે નિશાળે જવું બંધ કર્યું અને ઘેર બેસીનેજ ભાષાતત્વ, અલંકારશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રના વિવિધ ગ્રંથોનો અભ્યાસ ટીકાટિપ્પણી તથા વ્યાખ્યા સહિત શરૂ કર્યો. એજ સમયમાં ઈમન નગરના પ્રખ્યાત દરવેશ–સાધુ શાહ–અહમદ કવિવરના મુખ્ય શિષ્ય રાજર્ષિ શાહ હોસેનની પાસે દીક્ષા ગ્રહણ કરીને તે ‘મુરીદ’ બની.

વિદુષી રૌશનઆરા તેના અસાધારણ સૌંદર્યને લઈને આખા મક્કા નગરમાં પ્રખ્યાત થઈ ગઈ હતી. વળી એણે ઘણી નાની વયમાં જ પૂરતી વિદ્યા પ્રાપ્ત કરી હતી. ધર્મ પ્રતિ તેને અગાધ વિશ્વાસ હતો અને રાતદિવસ તત્વચિંત્વનનો જ તેને શોખ હતો. એટલે એના સદ્‌ગુણોની સુવાસ મક્કામાં પ્રસરી ગઈ અને કોરેશીવંશના અનેક મનુષ્યો તેને પુત્રવધૂતરીકે સ્વીકારવાની