પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



ઈચ્છા પ્રગટ કરવા લાગ્યા અને એ ઉદ્દેશથી તેના પિતા સૈયદ કરીમઉલ્લાની આગળ માગાં મોકલવા લાગ્યા. સૈયદ કરીમઉલ્લા પણ કન્યા મોટી થઈ છે અને વરવા યોગ્ય છે, એ વિચારથી સારા વરની તપાસમાં જ રહેતા હતા. ઘણી તપાસ પછી કુળવાન અને સુયોગ્ય વરનો પત્તો લાગ્યો; પરંતુ ઈસ્લામશાસ્ત્રનો એવો નિયમ છે, કે ઉંમરે પહોંચેલી કન્યાનું લગ્ન તો શું, એની સગાઈ પણ એની પોતાની મરજી વગર ન થઈ શકે, એટલા માટે વિવાહસંબધી કન્યાનો શો અભિપ્રાય છે, એ જાણવાનું કામ કરીમઉલ્લાએ પોતાની એક સગીને સોંપ્યું.

એક દિવસ મધ્યાહ્‌નકાળે રૌશનઆરા પોતાના ઉપાસનાગૃહમાં બેસીને તન્મય અને તદ્‌ગત થઈને કુરાન શરીફનો પાઠ કરી રહી હતી. એ વખતે પેલી વૃદ્ધ સગી ત્યાં પહોંચી અને પાઠ સાંભળવા લાગી. જ્યારે કુરાનને પાઠ સમાપ્ત થયો, ત્યારે પેલી ડોશીને રોશનઆરાએ પૂછ્યું: “આપ તો આ વખતે કદી પધારતાં નથી. આજ કવખતે પધારવાનું પ્રયોજન શું છે ?” ઉત્તરમાં ડોશીએ તેના વિવાહ સંબધી બધી હકીકત માંડીને કહી, રૌશનઆરાએ કહ્યું: “માજી ! મેં પ્રથમથી જ એક જણને મારું હૃદય અર્પણ કર્યું છે. જો એની સાથે મારૂં લગ્ન થશે તો હું ખુશીથી લગ્ન કરીશ.” ડોશીનું કુતૂહલ વધી પડ્યું અને તેણે પૂછ્યું: “તારા હૃદયરાજ્યનો અધીશ્વર તેં કોને બનાવ્યો છે, એ કહે. હું તેનેજ ખોળી કાઢીશ અને તારા આ શૂન્ય સિંહાસન ઉપર એને પધરાવીશ.” એ વાક્યો સાંભળતાંજ રૌશનઆરાએ કહ્યું: “પરમ આરાધ્ય ખુદા તાલાને મેં આ હૃદય સમર્પણ કર્યું છે, એજ મારા એકના એક પ્રણયપાત્ર છે–આશક છે. તમે એમની સાથે મારૂં લગ્ન કરાવી આપશો ? ને એમ ન કરી શકતાં હો, તો નાહક બીજા કોઈ સાથે મારી સગાઈ કરવાની ખટપટમાં પડવાની તસ્દી લેશે નહિ.”

ડોશીએ જઈને કન્યાના પિતાને બધી વાત કહી સંભળાવી. પિતાએ પુત્રીનો વિચાર બદલાવવા સારૂ, સાધુ હુસેનનું શરણું લીધું. મહર્ષિ હુસેને આરંભથી માંડીને બધો વૃત્તાંત સાંભળ્યા પછી કહ્યું: “આપ રૌશનઆરાની ઈચ્છા વિરુદ્ધ જબરદસ્તીથી એનું લગ્ન કરશો નહિ; કારણ કે એ બ્રહ્મજ્ઞાનની ઉંચ્ચ સીડીએ ચડી ચૂકી છે. હવે એ રિપુઓને અધીન નથી, સંસારના કોઈ પદાર્થ ઉપર તેને આસક્તિ રહી નથી.” લાચારીએ કરીમઉલ્લાએ