પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



પણ તેમનો મકબરો વિદ્યમાન છે અને તેમની પુણ્યગાથાનો પ્રચાર કરી રહ્યો છે. શાહ સાહેબે મોકલેલા શિષ્યોની એક ટોળી બંગાળામાં જઈ પહોંચી. એ ટુકડીમાં સાધ્વી રૌશન આરા તથા તેના ભાઈભોજાઈ હતી. બાદશાહ ગ્યાસુદ્દીન બળવો શમાવવા સારૂં બંગાળા ગયા હતા. તે વખતે એ સાધુઓને પણ પોતાની સાથે બંગ દેશમાં લેતા ગયા હતા. શિષ્યોને વિદાય કરતી વખતે શાહ સાહેબે તેમને ખાસ પ્રકારે ઉપદેશ આપ્યો હતો કે, કેવી રીતે રહેવું અને ક્યાં ક્યાં રહેવું. દરેક શિષ્યના હાથમાં એમણે એક મૂઠી ભરીને માટી આપી હતી અને કહ્યું હતું કે, “આ માટીના જેવી સુગંધવાળી માટી જ્યાં આગળ મળી આવે ત્યાં આગળ તમારો આશ્રમ કાયમ કરજો.” કેવળ રૌશનઆરાને એવું કહ્યું હતું કે, “જે સ્થળે તને દિવસને વખતે તારા દેખાય તે સ્થળે તારે આશ્રમ કરવાનું વિધાતાએ નિર્માણ કર્યું છે, એમ સમજવું. તારે એ સ્થાનમાંથી ખસવું નહિ.”

મહર્ષિ હુસેનના એ શિષ્યો બંગાળામાં વિચારવા લાગ્યા અને ગુરુની આજ્ઞાનુસાર જે સ્થાનની માટીની સુગંધ પોતાની પાસેની માટીને મળતી આવી ત્યાં જ વસવા લાગ્યા. આ પ્રમાણે એમની સંખ્યા ઘટવા લાગી. એક દિવસ રૌશનઆરા, એમના ભાઈ તથા ભાભી એક નૌકામાં બેસીને ઇચ્છામતી નદી ઓળંગી રહ્યાં હતાં, એવામાં એક સ્થળે દિવસને સમયે તેમણે તારો દીઠો. તેમણે ત્યાંથી આગળ જવાનું બંધ કર્યું અને ગુરુની આજ્ઞા પ્રમાણે એજ સ્થાનને પોતાનું નિવાસસ્થાન નક્કી કર્યું. હજુ પણ એ સ્થાન ‘તારા ગુણિયા’ નામથી પ્રસિદ્ધ છે. પહેલાં ત્યાં આગળ વસતી નહોતી, પણ રૌશનબીબીના વસ્યા પછી ત્યાં આગળ ગામ વસ્યું અને હાલ પણ ઈચ્છામતીને પશ્ચિમ કિનારે એક સારૂં ગામ વસેલું છે. પ્રારંભમાં ત્યાં આગળ વસતી નહિ હોવાથી રૌશનઆરાને પોતાના સાથીઓ સહિત થોડા દિવસ તો નૌકામાં જ રહેવું પડ્યું. ત્યાર પછી વૃક્ષની નીચે એક ઝુંપડી બાંધીને ત્યાંજ રહ્યાં. થોડા દિવસમાં તેમના આવ્યાની ખબર આસપાસના ગામોમાં પહોંચી ગઈ અને તેમનાં દર્શન કરીને પુણ્યસંચય કરવા સારુ ચારે તરફથી લોકો આવવા લાગ્યાં. રૌશન આરા પણ તેમને સદુપદેશ આપવા માંડી. પોતાની મનોવાંચ્છના પૂર્ણ કરવાના ઉદ્દેશથી જે કઈ તેની પાસે જતું, તેની મનોકામના વાજબી હોય