પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૩
સાધ્વી રૌશનઆરા



તો રૌશનઆરા આશીર્વાદ અને પ્રભુ પ્રાર્થના દ્વારા એ પણ પૂર્ણ કરતી. કોઈ વાંઝિયાને ઘેર પુત્રપ્રાપ્તિ થઈ, કોઈનો રોગ મટ્યો, કોઇનું દારિદ્ર્‌ય ગયું, એવા એવા ચમત્કારો થવાથી રૌશઆરાનો યશ સર્વત્ર વ્યાપી ગયો અને દુઃખી તથા આતુર લોકોની ભીડ જામવા લાગી. ધીમે ધીમે ત્યાં આગળ ગામ પણ વસી ગયું. ખરા ઇશ્વરભક્ત સાધુઓની સેવા કરવામાં હિંદુઓ જાતિભેદ કે ધર્મભેદને જોતા નથી. મુસલમાન સંતોનો સમાગમ કરવા, તેમની સેવા તથા ભક્તિ કરવા અને તેમનો આશીર્વાદ લેવા તેઓ સદા તત્પર રહે છે. ખરા મુસલમાન સંતો પણ હિંદુમુસલમાનને એક દૃષ્ટિએ જુએ છે અને પોતાના આધ્યાત્મિક અનુભવનો લાભ અને એકસરખો આપે છે. ધાર્મિક દ્વેષ અને ઝગડાઓ તો પુરોહિતો, કાજીઓ, મુલ્લાંઓ કે જેમનો નિર્વાહજ ધર્માંધતા ઉપર રહેલો હોય છે. તેમની સંકુચિત દૃષ્ટિને લીધે થાય છે. સ્વાર્થને તિલાંજલિ આપી, પ્રભુમાં તન્મય થયેલા સર્વ ત્યાગી સંન્યાસી–બ્રહ્મવાદીને માટે તો વસુધાનાં દરેક મનુષ્ય એક સમાન પ્રિય હોય છે. રૌશનઆરાના સંબંધમાં પણ એમજ હતું. એ ગામના એક નાગ બાબુ એમની પાસે આવતા અને ઘણી ભક્તિ પ્રગટ કરતા. સાધ્વીની પ્રસન્નતાને લીધે નાગ બાબુએ પુષ્કળ ધન પદા કર્યું અને અનેક ગામ ખરીદીને પ્રતિષ્ઠિત જમીનદાર બન્યા. એમ કહેવાય છે કે, રૌશનઆરાએ નાગ બાબુને ત્રણ કામ કરવાનો નિષેધ કર્યો હતો:— “(૧)જમીનદારીના ગામની કોઈ પણ પ્રજાને કદી પણ પીડા આપવી નહિ, (૨) અહંકાર અને તમોગુણને હૃદયમાં કદી પણ સ્થાન આપવું નહિ. (૩) મારા સેવકો પ્રત્યે કદી પણ અભક્તિ અથવા અશ્રદ્ધા પ્રગટ કરવી નહિ. જો આ ત્રણે ઉપદેશની વિરુદ્ધ આચરણ કરશે તો પડતી દશા આવશે.” નાગબાબુનાં સંતાનોએ એ ઉપદેશ પ્રમાણે અમલ ન કર્યો, ત્યારે તેમની પડતી દશા પણ આવી.

કેટલાંએક વર્ષ આ પ્રમાણે પ્રભુભક્તિ તથા ધર્મોપદેશમાં વ્યતીત થયાં. પછી એક દિવસ રૌશનઆરાને તાવ આવ્યો. ભક્તોએ સેવાશુશ્રુષા કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નહિ. એમના ભાઈએ વૈદને બોલાવવાનું કહ્યું, ત્યારે જણાવ્યું કે, “મારો આ રોગ મટનાર નથી. મને મહાયાત્રાને સારૂ ખુદાના ઘરનું તેડું આવ્યું છે.” બે દિવસના તાવમાં ઈ. સ. ૧૩૪૨ માં ૬૪ વર્ષની