પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૭
મખદૂમ-ઈ-જહાં-બિદરની બેગમ


બાળક છે; બિદર જીતવાને માટે આના કરતાં સારો લાગ ફરીને મળવાનો નથી.” એટલા માટે જલદી એક મોટી સેના તૈયાર કરીને એણે બિદર ઉપર ચડાઈ કરી. એક નિરાધાર અબળાનું રાજ્ય વગર વાંકે પડાવી લેવાનો પ્રયત્ન કરવો એ માળવેશ્વરને માટે ઘણી શરમની વાત હતી, પરંતુ લાભ મનુષ્યનો પરમ શત્રુ છે. એ વિકારને વશ થઈ મનુષ્ય ગમે તેટલાં અન્યાયી કામ કરે છે.

બેગમને જ્યારે સમાચાર મળ્યા કે, માળવાનો મુસલમાન રાજા પોતાના રાજ્ય ઉપર ચડાઈ કરવા સારૂ આવી રહ્યો છે, ત્યારે એના ક્રોધનો પાર રહ્યો નહિ. એ ગભરાઈને આકળી ન થઈ ગઈ, પણ પુખ્ત વિચાર કરીને માળવેશ્વરની સાથે યુદ્ધ કરવા સારૂ એક મજબૂત સૈન્ય જલદી તૈયાર કરવાની સેનાપતિને આજ્ઞા આપી અને પોતે પણ વીરવેશ ધારણ કરીને યુદ્ધક્ષેત્રમાં સેનાપતિ તરીકે જવા તૈયાર થઈ. બેગમનું સાહસ, વીરતા અને શૌર્ય દેખીને સૈનિકો પ્રસન્ન થયા. એની સરદારી નીચે તેઓ પ્રાણ આપીને પણ બિદરની સ્વતંત્રતાનું રક્ષણ કરવા તૈયાર થયા.

માળવેશ્વર બિદરની સીમા ઉપર આવી પહોંચ્યો. બેગમ લશ્કર સહિત વીરાંગનાને છાજે એવી રીતે તેની, સામે ટક્કર લેવા તૈયાર થઈને ગઈ. બન્ને પક્ષો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બેગમના શૌર્ય અને પરાક્રમથી માળવેશ્વર છક્ થઈ ગયો; યુદ્ધમાં સ્ત્રી પણ આવી વીરતા દાખવી શકે છે, એ એણે પહેલી જ વાર જોયું. એ બહાદુર સ્ત્રી આગળ પોતાનું કાંઈ ચાલવાનું નથી, પરાજય નિશ્ચિત છે, એમ ધારીને રાજા શરમિંદો થઈને વીલે મોંએ પાછો માળવા પહોંચ્યો. બિદરની બેગમે બાલ્યાવસ્થામાં જ સ્વદેશપ્રેમ, રાજનીતિ, વીરતા અને યુદ્ધવિદ્યાનું શિક્ષણ મેળવ્યું હતું. એજ શિક્ષણને અમલમાં મૂકીને આ વખતે એણે પોતાના રાજ્યનું શત્રુના આક્રમણમાંથી રક્ષણ કર્યું.

બેગમે શત્રુ તરફની આ આફતને મહામહેનતે ટાળી હતી, એવામાં એના ઉપર બીજી વધારે ગંભીર દૈવી આપત્તિ આવી પડી. સગીર સુલતાનનું લગ્ન નક્કી થઈ ચૂક્યું હતું, એવામાં અચાનક એનું મૃત્યુ થયું, માતાના ઉપર વજ્રનો ઘા થયો; પણ એ બેગમ ઘણી ધૈર્યવાળી સ્ત્રી હતી. રાજ્યની લગામ હાથમાં લીધા પછી સ્ત્રી હોય કે પુરુષ, પણ તેને હૃદય કઠણ કર્યા વગર ચાલતું નથી. પથ્થર સરખી છાતી કરીને એણે પોતાના બીજા શાહજાદા