પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


મહંમદને ગાદીએ બેસાડ્યો અને પોતે પ્રજાના હિતની ખાતર પહેલાંની પેઠે જ રાજ્ય ચલાવવા લાગી.

ખ્વાજા જહાં અને મહમદ ગવાંના એકબીજા પ્રત્યેના દ્વેષની બાબત અમે આગળ કહી ગયા છીએ. મહંમદ ગવાં ખરો સ્વામીભક્ત, પ્રમાણિક અને સદાચારી હતો; પરંતુ ખ્વાજા જહાં સ્વભાવથી જ ક્રૂર અને કુટીલ હતો. બેગમને આપત્તિમાં પડેલી જોઈને એણે પોતાની ક્રૂરતાનો આરંભ કરી દીધો, ગવાં જેવા સજજન અને બેગમ જેવી સતી એના છળકપટને એકદમ સમજી શક્યાં નહિ. ખ્વાજા જહાંના પ્રપંચોને પહેલેથી કોઈ સમજી ન શક્યું, તેનું પરિણામ ઘણું ભયંકર આવ્યું. ધૂર્ત ખ્વાજા જહાંએ ખાસ બિદરનો રાજ્યપ્રબંધ પોતાના હાથમાં લઈ લીધો અને બાકીના આખા દેશનો વહિવટ મહમદ ગવાંને સોંપ્યો; એટલે ગવાંને ઘણુંખરૂં બિદરની બહાર જ રહેવું પડતું. ખ્વાજા નગરમાં રહીને રાજ્યપ્રબંધ કરવા લાગ્યો અને ધીમે ધીમે રાજ્યના બધા અધિકારોને પોતાના હાથમાં લેતો ગયો. એને ખાતરી હતી કે, ગવાં બહાર રહે છે, સુલતાન બાળક છે, બેગમ પડદામાં રહેનારી છે; એને મારા છળપ્રપંચની શી ખબર પડનાર છે ? પણ એને ખબર નહોતી કે, પડદાની આડમાંથી પણ બેગમ એનાં બધાં કાર્યોને સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈ રહી હતી. બેગમે જ્યારે જોયું કે, એ ધૂર્ત પોતાના પ્રપંચની જાળ ફેલાવતો જ જાય છે, ત્યારે એણે સુલતાનને કહ્યું: “બેટા ! આ માણસ વિશ્વાસઘાતી છે. કોણ જાણે કયી વખતે શું કરી બેસે તે કહેવાય નહિ; માટે કાલેજ ભર્યા દરબારમાં એનો ફેંસલો કરી દે.”

બીજે દિવસે અમીરઉમરાવોની સામે સુલતાને મહંમદ જહાંની વિશ્વાસઘાતકતાનું પોગળ ઉઘાડું પાડ્યું અને એનો ઈશારો થતાં એક સૈનિકે દરબારની વચમાં જ એનું શિર ઉડાવી દીધું. બેગમની આ ચતુરાઈની અસર જહાંના મળતિયા, બીજા ગુપ્ત શત્રુઓ અને નિમકહરામ નોકરો ઉપર ઘણી સારી થઈ. દુરાચારી જહાંને બરાબર બદલો મળેલો જેઈને બીજા લોકો પણ ચેતી ગયા કે, આપણી કોઈ હિલચાલ આ ચતુર અને દૂરંદેશી બેગમથી છાની રહેવાની નથી અને કાવતરાંની ખબર પડી જતાં બેગમ બદલો વાળ્યા વગર પણ રહેવાની નથી. તેના આ કૃત્યથી રાજ્યમાં ધાક બેસી ગઇ.