પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


પક્ષના માણસોનો કચ્ચરઘાણ વાળી નાખીને એ નાસી જતો. વળી એમ પણ બનતું કે રાજાને લઇને હાથીને આ પ્રમાણે નાસતો જોઈને ફોજના સિપાઈઓ એમ સમજતા કે રાજાજી પલાયન કરી જાય છે, આવું વિચારીને તેઓ પણ એમની પાછળ નાસતા અને અંતે પરાજય પામતા.

આ યુદ્ધમાં પણ એવું બન્યું. મુસલમાનોના હથિયારથી ઘાયલ થવાથી દાહિરનો હાથી પોતાના સ્વામીને લઈને જોરથી નાઠો અને પાસેની એક નદીમાં જઈને પડ્યો. રાજાને નાસી ગયેલો ધારીને સેનાના લોકો પણ રણમાંથી વિખરાઈ ગયા.

દાહિર ઘાયલ થયો હતો, પણ્ સૈનિકોનો ભય અને ઉચાટ જોઈને, યુદ્ધમાં પરાજય પામવાની બીકથી પોતાનું બધું દુઃખ ભૂલી ગયેા. જરા પણ વિલંબ કર્યા વગર એ એક ઘોડા ઉપર સવાર થઈને, ઝટપટ વિખરાઈ ગયેલા સૈન્યમાં આવી પહોંચ્યો. અત્યંત ઉત્સાહપૂર્ણ શબ્દોમાં સૈનિકોને ઉપદેશ આપીને શૂર ચડાવ્યું અને ફરીથી પરાક્રમપૂર્વક મુસલમાનો સાથે યુદ્ધ કરવાને સૈન્યને હુકમ આપ્યો; પણ છિન્નભિન્ન થઈ ગયેલું સૈન્ય પહેલાંની પેઠે તો એકઠું નજ થઈ શક્યુ. આરબ સૈન્ય આટલી વારમાં આગળ વધી આવ્યું હતું; તે ત્યાંનું ત્યાંજ કાયમ રહ્યું. પાછા હઠવાને બદલે તેઓ દાહિરની છિન્નભિન્ન સેનાને ભેદીને ધીમે ધીમે અગ્રેસર થવા લાગ્યા.

દાહિર સમજી ગયો કે, જય અને રાજ્યરક્ષાની આશા હવે મિથ્યા છે, પણ સ્વતંત્રતા ખોયા પછી જીવતા રહેવું એ પણ શા કામનું ? જીવનની શેષ શકિત—આશાને લીધે આવેલા છેલ્લા સમયના પ્રચંડ બળ વડે શત્રુસેનાનો નાશ કરતાં કરતાં, આખરે આ વીર નૃપતિ દાહિર, શત્રુઓના લોહીથી રંગાયેલી રણશય્યામાં ક્ષત્રિય વીરોની પરમગતિને પામી ગયો. દીવો હોલવાઈ ગયો; પણ ક્ષત્રિયોની મર્યાદા તે સમયે અકલંકિત રહી.

અફસોસની વાત એટલીજ છે કે, આ યુદ્ધમાં બહાદુર દાહિરનો બાયલો પુત્ર, ક્ષત્રિયોના ગૌરવને નામોશી લગાડીને, દૂર દેશાવરમાં નાસી ગયો. સિંધુરાજ્ય વિપત્તિના સાગરમાં ગરકાવ થઈ ગયું.

આજ રાજધાની આલોર અરક્ષિત છે. રાજા મરણ પામ્યો,