પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१५६–टोडानरेश राव रत्नसिंहनी
कन्या ताराबाई

રાણા હમીરના મૃત્યુને સો વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો હતો. એ વખતે રાણા રાયમલ મેવાડમાં રાજ્ય કરતો હતો. ઇ. સ. ૧૪૭૪ સાલમાં એ મેવાડની ગાદી ઉ૫૨ અભિષિક્ત થયો હતો. અસાધારણ વીરતા અને ચરિત્રની પવિત્રતા માટે રાણા રાયમલ રજપૂતોના ઇતિહાસમાં વિશેષ પ્રસિદ્ધ છે. એ રાણા રાયમલને ત્રણ પુત્ર હતા. સંગ્રામસિંહ, પૃથ્વીરાજ અને જયમલ. એમાં પૃથ્વીરાજ ઘણો સાહસિક અને બળવાન હતો; પરંતુ એ ઘણો ઉદ્ધત સ્વભાવનો હોવાથી, પિતાએ તેને દેશપાર કર્યો હતો. બીજા બે પુત્રો પિતાની પાસે રહેતા હતા. થોડા સમય પછી સૌથી નાના પુત્રનું આયુષ્ય પૂરૂં થયું. ક્ષત્રિયોને ન છાજતું કાર્ય કરવા જતાં કુમાર જયમલ રાવ સુલતાન સોલંકીના સાળા સાંખલા રત્નસિંહને હાથે માર્યો ગયો હતો. સૌથી મોટા પુત્રે મેગલ બાદશાહ બાબર સાથે બહાદુરીથી યુદ્ધ કરીને ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. આપણે આ આખ્યાનમાં પૃથ્વીરાજનો પરિચય મેળવીશું.

ભારતવર્ષના પશ્ચિમ પ્રાંતમાં ટોડા નામનું એક નાનું સરખું રજપૂતોનું રાજ્ય હતું. રાવ રત્નસિંહ×[૧] એ સમયે ટોડાનો રાજા હતો. લલ્લા નામના એક જબરજસ્ત પઠાણે રાવ રતનસિંહને હરાવીને ટોડા ઉપર અધિકાર મેળવ્યો હતો. રાવ રત્નસિંહે સપરિવાર મેવાડ રાજ્યમાં આશ્રય લીધો હતો. તારાબાઈ એ રાવ રત્નસિંહની એકની એક ઘણીજ રૂપવતી કન્યા હતી.


  1. × તારાબાઈના પિતાનું નામ ટોડ સાહેબે રાત સુરતાન લખ્યું છે; પણ અમે પ્રસિદ્ધ ઐતિહાસિક, મેવાડના રાજકવિ કવિરાજ શામળદાસજીને અનુસરીને તેનું નામ રત્નસિંહ લખ્યું છે. —પ્રયોજક