પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૫
ટોડાનરેશ રાવ રત્નસિંહની કન્યા તારાબાઈ



આશ્ચર્ય નહિ; પણ રજપૂતોનું આત્મગૌરવ એ સમયે નષ્ટ થયું નહોતું; રાવ રત્નસિંહ રાણાને શરણે હતો એ વાત ખરી, પણ પોતાના કુળનું ગૌરવ સાચવવા ખાત૨ એ રાણાની રતિભાર પણ પરવા રાખે એવો નહોતો; કન્યાનું હરણ કરવા આવેલા રાજકુમાર જયમલને તેણે ઠાર કરી નાખ્યો.

એ સમાચાર રાણા રાયમલ પાસે પહોંચ્યા, રાણાએ કહ્યું: “જયમલે મેવાડના રાજવંશને કલંક લગાડ્યું છે; એ કુલાંગારને રાવ રત્ને બરોબર સજા કરી છે, એને લીધે હું રત્નસિંહ ઉપર ખુશ થયો છું; મને તેના ઉપર જરા પણ રોષ ઉપજ્યો નથી. રાવ રત્નની આ વીરતા અને સાહસના બદલામાં તેને હું બેદનોરની જાગીર બક્ષિસ આપું છું.”

મેવાડના રાણાવંશમાં ઉત્પન્ન થયેલા મહાન પુરુષો વગર આવી ઉદારતા ક્યાં દીઠામાં આવશે ?

જયમલની વર્તણુંકથી નિષ્કલંક સિસોદિયાએાના કુળને કલંક લાગ્યું હતું. હવે બહારનો કોઈ વીર આવીને ટોડાનો ઉદ્ધાર કરે, તો ચિત્તોડના રજપૂતોને એથી પણ વધારે શરમાવું પડે; એટલા માટે રાજા રાયમલનો વચલો પુત્ર પૃથ્વીરાજ, ટોડાનો ઉદ્ધાર કરીને તારાબાઈને પરણવી અથવા એમ ન થાય તો ત્યાંજ યુદ્ધ કરતાં કરતાં મરવું એવો દૃઢ સંકપ કરીને બદનોર ગયો.

પૃથ્વીરાજની વીરતા અને તેજસ્વિતાની ખ્યાતિ તારાબાઈ અગાઉથી જ સાંભળી ચૂકી હતી. આજ ક્ષાત્રતેજની મૂર્તિસ્વરૂપ એ સુંદર યુવકને સાક્ષાત્ જોવાથી એ તેના ઉપર મોહિત થઈ ગઈ. એના મનમાં ખાતરી થઈ કે, આ વીર યુવક જરૂર ટોડા રાજ્યનો ઉદ્ધાર કરી શકશે. મુગ્ધ થયેલી વીરાંગના તારાબાઈ મનમાં ને મનમાં પૃથ્વીરાજને વરી ચૂકી. તારાબાઈએ આ યુદ્ધમાં પણ પૃથ્વીરાજની સાથે જવાની પિતા પાસે રજા માગી. રાવ રત્નસિંહે કેટલીક ઉપયોગી સૂચના સાથે તેને યુદ્ધક્ષેત્રમાં જવાની આજ્ઞા આપી. પૃથ્વીરાજ ત્યાંથી રવાના થઈને એટલો જલ્દી ટોડા રાજ્યમાં પહોંચ્યો કે, એ દિવસથી એ ચિતોડના ઇતિહાસમાં “ઉડ્ડન પૃથ્વીરાજ”ના નામથી પ્રસિદ્ધ થયો.

એટલા થોડા સૈન્ય સાથે બહાદુર પઠાણોના હાથમાંથી ટોડાનો ઉદ્ધાર કરવો એ કાંઈ સહેલું નહોતું. પૃથ્વીરાજ અને