પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૭
ટોડાનરેશ રાવ રત્નસિંહની કન્યા તારાબાઈ



ઉતારો નક્કી કરી આપ્યો. પૃથ્વીરાજ ઘણોજ રણપ્રિય હતો. દરરોજ એ કોઈ ને કોઈ શત્રુની સાથે યુદ્ધ કરવામાં નિમગ્ન રહેતો. દરેક યુદ્ધમાં તારાબાઈ તેની સાથે રહેતી. એ નવદંપતીનું પ્રથમ વિવાહિત જીવન પણ ચુદ્ધક્ષેત્રમાંજ વ્યતીત થયું; પણ અફસોસ ! કે તેઓ અપૂર્વ પ્રણયસુખ ઘણા સમય સુધી ભોગવ્યા વગરજ, અતિ યુવાન વયમાં મરણ પામ્યાં.

રજપૂતાનામાં આબુ પહાડની પાસે શિરોહી નામનું એક નાનું રાજ્ય છે. એ રાજ્યના રાજાની સાથે પૃથ્વીરાજની એક બહેનનો વિવાહ થયો હતો. શિરોહીનો રાજા ઘણો અફીણી હતો. અફીણના નશામાં સ્ત્રીના ઉપર ઘણો જુલમ કરતો. સ્વામીનો જુલમ વધારે સહન નહિ થવાથી પૃથ્વીરાજની બહેને પૃથ્વીરાજના ઉપર એક પત્ર લખીને પોતાની બધી હકીકત જણાવી તથા પોતાને પિયેર બોલાવી લેવાની વિનંતિ કરી. પૃથ્વીરાજ તરતજ બહેનને સાસરે પહોંચ્યો. શિરોહીરાજ પૃથ્વીરાજના સ્વભાવ તથા તેનું પરાક્રમ જાણતો હતો. પૃથ્વીરાજે એને ઘણો ધમકાવ્યો, એટલે તેણે વિનયપૂર્વક ક્ષમા માગી; પણ પૃથ્વીરાજ એમ ઝટ મનાઈ જાય એવો નહોતો. એણે લાલપીળા થઈ જઈને કહ્યું “તમે રાણા રાયમલની પુત્રીનું અપમાન કર્યું છે, માટે એનાં ખાસડાં તમારા માથા ઉપર મુકાવીને માફી મંગાવીશ ને ત્યાર પછીજ તમને છોડવામાં આવશે.

આખરે શિરોહીરાજને એજ પ્રમાણે કરવું પડ્યું; પણ આ અપમાન તેની રગેરગમાં પેસી ગયું. તેનો બદલો લેવાની પ્રબળ વૃત્તિ તેના હૃદયમાં ઉત્પન્ન થઈ. ઘણી ઘાતકી રીતે તેણે એ બદલો લેવાનો નિશ્ચય કર્યો. પોતાની બહેનને મળીને પૃથ્વીરાજ ચિતોડ પાછો જવા નીકળ્યો. તે વખતે શિરોહીના રાજાએ ભાતામાં ઝેરના લાડુ બાંધી આપ્યા. રસ્તામાં ભૂખ લાગી એટલે પૃથ્વીરાજે એજ લાડુ ખાધા, હડહડતા વિષને લીધે તેનું શરીર એકદમ ઢીલું થઈ ગયું. એ સમજી ગયો કે, બનેવીએ દગો કર્યો છે અને હવે મૃત્યકાળ આવી પહોંચ્યો છે. એક દેવમંદિરમાં તેણે આશ્રય લીધો. તારાબાઈને એ સમાચાર પહોંચાડવામાં આવ્યા. એ તરતજ મંદિરમાં આવી પહોંચી; પણ એ વખતે પૃથ્વીરાજનો આત્મા સ્વર્ગલોકમાં પહોંચી ગયો હતો.