પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


१६३-नागबाई–चारणी*[૧]

ઈ! આઈ ! આપણે ત્યાં આજે આપણા પવિત્ર મહારાજાધિરાજ પધારે છે; એવી ખબ૨ દૂત લાવ્યો છે. માટે તેમનો યથાયોગ્ય આદરસત્કાર અને સેવાબરદાસ કરવાની આપણે તૈયારી કરીએ.” એમ પુત્રી તુલ્ય પુત્રવધૂએ પોતાની સાસુ નાગબાઈ ચારણિયાણીને ઉતાવળે ઉતાવળે આનંદભેર ખબર આપી. સૌરાષ્ટ્રના મહારાજા રા’માંડળિક પંડે પોતાને ત્યાં પધારવાના છે, એ પોતાનું સદ્‌ભાગ્ય માની નાગબાઈએ તેનો સત્કાર કરવાની સઘળી તૈયારી કરી. પોતાને ત્યાં આજે સોનાનો સૂરજ ઊગ્યો ગણી પોતાના સ્વજન કુટુંબને એકઠાં કર્યું. ચારણનાં બૈરાઓએ ગીત ગાવા માંડ્યાં.

‘સૂરજ ઊગ્યો રે કેવડિયાની ફડશે કે, રાજાજી ભલે આવે રે.’

આ પ્રમાણે નાગબાઈને ત્યાં આનંદમંગળનાં ગીતો સહિત ઉત્સવ થઈ રહ્યો છે, તેવામાં નવ સોરઠના ધણી નવઘણના પુત્ર રા’માંડળિકે મોણિયા ગામમાં પ્રવેશ કર્યો.

ચૂડાસમા રજપૂતોનું રાજ્ય સૌરાષ્ટ્રમાં હતું અને તેઓ રા’(રાહ) ને નામે ઓળખાતા હતા, તે વાત તો ગુજરાતનો ઇતિહાસ ભણી ગયેલા સર્વને સુવિદિતજ હશે. અણહિલપુર પાટણના મહારાજાધિરાજ મૂળરાજ સોલંકીની સામે થનારા જૂનાગઢના રા’ગ્રાહરિયા કે ગૃહરિપુને તેમજ નૃપચકચૂડામણિ લોકપ્રિય ગુજરેશ્વર મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહની સામે થનારા, રાણકદેવીના પ્રિય પતિ રા’ખેંગારને ગુજરાતના ઇતિહાસના અભ્યાસકો સારી રીતે જાણે છે. તેથી અહીં ટૂંકામાં એટલુંજ જણાવવાનું કે, એ વંશમાં જૂનાગઢની ગાદી પર છેલ્લામાં છેલ્લો જે સ્વતંત્ર રાજા થઈ ગયો, તે રાજા રા’માંડળિક આજે


  1. *‘સુંદરી સુબોધ’ અંક ૧૦૦–૧૦૧ માંનો શ્રીનિર્મળા બહેનનો લેખ અત્રે ઉપકાર સાથે ઉતારવામાં આવ્યો છે. —પ્રયોજક
૪૦૧