પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



જૂનાગઢથી વીસ માઈલ દૂર ગિરનારની પવિત્ર છાયામાં આવેલા મોણિયા ગામમાં નાગબાઈ ચારણને ઘેર આવે છે.

રા’માંડળિકને નાગબાઈએ ડેલીના ઉમરા પાસે આવી સોનારૂપાનાં પુષ્પોથી વધાવ્યા, તેને કળશિયો કર્યો, ચાંલ્લો કરી અક્ષતરૂપે મોતી ચોડ્યાં. પોતાના મુખ્ય ગૃહની ઓસરીમાં રાજાજી માટે ગાદીતકિયાની જે બેઠક કરી હતી, ત્યાં સુધી ડેલીએથી મદ્રાસીનું આખું થાન પાથરી દીધું હતું. તે પર રાજાજીને ચલાવીને જોગમાયા જેવી નાગબાઈ તેને તે ઓસરી તરફ લઈ ચાલી. રાજા પણ અતિ પ્રસન્ન થઈ ઉતાવળે ઉતાવળે ચાલી આગળ વધ્યા ને પોતાને માટે તૈયાર રાખેલા સિંહાસન ઉપર આવીને બેઠા. ચારણદેવીઓ મોટા મોટા વીંઝણા વડે તેમને પવન ઢાળવા લાગી.

માંડળિકે ચાંલ્લો કરવાની ઈચ્છા દર્શાવવાથી તે વખતની રીતરસમ મુજબ, નાગબાઈના દીકરાની વહુ રા’માંડળિકને ચાંલ્લો કરવા હાથમાં કંકાવટી અને અક્ષત લઈને આવી. પૂર્વાભિમુખે બેઠેલા રાજાને ચાંલ્લો કરવા જતાં, રાજા ઉત્તર તરફ મોઢું કરીને બેઠો. એટલે પુત્રવધૂ તે દિશામાં તેને ચાંલ્લો કરવા ગઈ, પરંતુ ત્યાંથી પણ ફરીને રા’માંડળિક પશ્ચિમ તરફ મોઢું કરીને બેઠો. વહુ બિચારી તે તરફ વળી તેને ચાંલ્લો કરવા ગઈ, પણ અફસોસ ! હજાર વાર અફસોસ, કે રાજએ પુત્રવધૂ તરફ કુદૃષ્ટિ કરી અને દક્ષિણ દિશા તરફ ફરીને બેઠા, વહુ તરતજ સાસુ તરફ પાછી ફરી અને બોલી કે, “આઈ ! રાજા તો ફરતો છે.” નાગબાઈ બોલી કે, “વહુ ! હું તેનું મન સમજી ગઈ છું. એ રાજા ફરતો નથી પણ તેનો દિવસ ફરે છે.” સખેદ લખવું પડે છે કે, પોતાની પુત્રી સમાન રૈયતની સ્ત્રીઓ ઉપ૨ જ્યારે પિતા સમાન રાજાની કુદૃષ્ટિ થાય, ત્યારે તો તેનો દિવસ ફરતો–માઠો જ આવ્યો એમ સમજવું.

ચારણિયાણી દેવી કહેવાય છે અને તેમાં પણ નાગબાઈની પવિત્રતાએ તેના કુળને એટલું બધું ઉજ્જવળ બનાવ્યું હતું કે, તે કાળે તે પ્રદેશમાં નાગબાઈ જોગમાયા તુલ્ય ગણાતી હતી. નાગબાઈને રાજાના આવા દુષ્ટ ઈરાદાની પ્રથમથી ખબર નહોતી. તેણે તો પવિત્રતાથી માની લીધું હતું કે, કુલગુરુ જેવા ગણાતા ચારણને ત્યાં મહેરબાનીની નિશાની તરીકે રાજાજીની આ પધરામણી થઈ હતી. રા’માંડળિક પણ મૂળે ઘણો પવિત્ર રાજા હતો.