પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



અત્યારે યુદ્ધનાં રણશિંગડાં બંધ કરી દેવરાવવામાં આવ્યાં હતાં. મંગળ વાદ્ય ચારે તરફ વાગી રહ્યાં હતાં. પોતાના સરદારના આજે ભારતવર્ષની એક અત્યંત રૂપવતી રમણી સાથે ‘નિકાહ’ થશે, એ સમાચારથી પઠાણ સૈનિકોમાં હર્ષ વ્યાપી ગયો હતો. પઠાણો તલવારને તંબૂમાં મૂકી દઈને મોજમજા, ગાનતાલ અને નાચતમાશામાં મશગૂલ થઈ ગયા હતા. ઘણા દિવસોથી જે સુંદરીના અપ્રતિમ રૂપલાવણ્યની પ્રશંસા પોતે સાંભળ્યા કરતો હતો, તેનાં આજે દર્શન કરવા, તેને આલિંગન દેવા પઠાણ સરદારનું મન તલપાપડ થઈ રહ્યું હતું.

આખરે નિયત સમયે રાણીનો દૂત ખાનસાહેબને તેડવા આવ્યો. ખાનસાહેબ એ રત્નજડિત કિનખાબનો પોશાક પહેરીને ઉતાવળો ઉતાવળો મહેલમાં ગયો. ત્યાં જઈને રાણીનાં જ્યારે સાક્ષાત દર્શન કર્યા, ત્યારે ખાનસાહેબને ખાતરી થઇ કે, તેનું સૌંદર્ય પાતે સાંભળ્યું હતું તેના કરતાં પણ શ્રેષ્ઠ હતું. પોતે કોઈ સ્વર્ગની અપ્સરાને જોતો હોય એમ તેને લાગ્યું. એક મોટા સિંહાસન ઉપર મખમલના ગાલીચા ઉપર રાણી સુંદર વસ્ત્રાલંકાર પહેરીને બેઠી હતી અને તેની આસપાસ બીજા સાધારણ ગાલીચાઓ ઉપર તેની સખીઓ બેઠી હતી. દાસીઓના હાથમાં નાની નાની સળગતી મશાલો હતી. એ મશાલોના પ્રકાશમાં રાણીનું સૌંદર્ય ઘણું દીપી ઊઠતું હતું. રાણીએ મૃદુ વચનોથી ખાનસાહેબને પલંગ ઉપર બિરાજવા કહ્યું. ખાનસાહેબ તો રાણીના રૂપથી એટલા બધા મુગ્ધ થઈ ગયા હતા કે, રાણીના આદેશનું પાલન કરવામાં જરા પણ વિલંબ કરતા નહિ. રાણીએ તેની સાથે મીઠી મીઠી વાતો કરવાનો આરંભ કર્યો. એ વાતમાં ખાનસાહેબને એટલો બધો રસ પડ્યો કે, સમય પૂર્ણ વેગથી ચાલ્યો જતો હતો, તેનું તેમને જરા ભાન નહોતું. ગુન્નોરની રાણીના સૌંદર્યનું દર્શન કરવાથી તેને એક કલાક એક મિનિટ જેટલો લાગતો. આ પ્રમાણે વાર્તાલાપ ચાલી રહ્યો હતો, એવામાં ખાનસાહેબની તબિયત બગડી આવી, તેમનો જીવ ગભરાવા લાગ્યો, તેમનું મુખ નિસ્તેજ થવા લાગ્યું, તથા શરીરમાં અત્યંત બળતરા થવા લાગી; રાણીની દાસીઓ પંખો નાખવા લાગી, પીવાને માટે ઠંડાં શરબત આપવામાં આવ્યાં, પણ કશાથી પઠાણ સરદારની તબિયત સુધરી નહિ. ધીમે ધીમે તેની વેદના વધતી જ ગઈ. એ વસ્ત્ર ફાડવા લાગ્યો. તેની આ દશા