પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૩
મીરાંબાઈ



બાલિકા મીરાં માતાની પાછળ પાછળ પૂજાના મંદિરમાં જતી અને માતાની ભક્તિ ચુપચાપ જોયા કરતી. તેણે એક વખત પોતાની માને પૂછ્યું: “મા, મારે વિવાહ કરવો પડશે ? મારા વર ક્યાં હશે?” માએ બાલિકાને છાતીસરસી ચાંપીને સ્નેહપૂર્વક ચુંબન કર્યું. ત્યાર પછી ઠાકોરજી તરફ ઈશારો કરીને કહ્યું: “આ ઠાકોરજી તારા સ્વામી.”

સરળ બાલિકા માની વાતને સાચી માનીને શાંત થઈ ગઈ, એ દિવસથી મીરાં ખરેખાત એમજ સમજવા લાગી કે, ઠાકોરજી મારા સ્વામી છે. સ્વામીની આગળ નવવધૂ જેમ ઘૂમટો તાણે, તેમ મીરાં માના દેખતાં ઠાકોરજીની લાજ કાઢતી. મીરાંની માતા નાની સરખી બાલિકાનો આ સ્વાંગ જોઈને ખૂબ હસીને ચાલી જતી.

બાલિકા મીરાંબાઈનો ચહેરો ઘણો સુંદર હતો. તેનોને વર્ણ સોના જેવો ઉજ્જવળ હતો. જોતાંવારજ એ કોઈ દૈવીપ્રતિમા હોય, એવો ભાસ થતો હતો. તેનો કંઠ–સ્વર ઘણો મધુર હતો. મીરાંનાં ગીત સાંભળીને મેડતાનાં નરનારી મુગ્ધ થઈ જતાં.

નાની વયમાં જ મીરાંબાઈ વાંચતાં લખતાં શીખી હતી. એ પોતે કવિતા રચીને ગાતી હતી, તેની કવિતા અને સંગીતની પ્રશંસા ચારે તરફ ફેલાઈ ગઈ હતી.

રજપૂતાનામાં મેવાડનું રાજ્ય સૌથી વધારે પ્રતિષ્ઠિત છે. એ રાજ્યમાં અનેક વીર પુરુ જમ્યા છે. એ વીરપુરુષોએ પોતાના રાજ્યનું સન્માન સાચવી રાખવા સારૂ બાદશાહની સાથે લડીને પ્રાણ આપ્યા છે. એ સર્વ કારણેને લીધે રજપૂતાનાના રાજાઓમાં મેવાડની ઘણીજ ઈજ્જત આબરૂ છે. મેવાડપતિ આજદિન સુધી હિંદનો સૂરજ–હિંદુઓના સૂર્યના ઉપનામથી ઓળખાય છે.

જે સમયની આપણે વાત કરી રહ્યા છીએ, તે સમયમાં મેવાડની ગાદી ઉપર રાણા સંગ બિરાજતા હતા, રાણા સંગ એક બહાદુર પુરુષ હતા. માળવા અને ગુજરાતના બાદશાહો ઉપર વિજય મેળવીને તેમણે ઘણી ખ્યાતિ મેળવી હતી. મેવાડપતિ રાણા સંગના સાંભળવામાં મીરાંબાઈના રૂપ અને ગુણની પ્રશંસા આવી હતી, એટલે પોતાના મહારાજ કુમાર ભોજરાજની સાથે તેનો વિવાહ કરવાની તેમને ઈચ્છા થઈ. મેવાડના રાણાના કુમાર સાથે લગ્ન કરવામાં રજપૂતો પોતાનું ગૌરવ સમજતા હતા, એટલે રત્નસિંહ