પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



અર્થાત્–રાણાજીએ મોકલેલા વિષને પ્રભુનું ચરાણોદક ગણીને હું તો પી જઈશ અને ખરેખર પ્યાલો ઉઠાવીને મીરાં એ હળાહળ ઝેર પીજ ગઈ. ધન્ય ! ધન્ય ! ધન્ય ! એવી પરમ સ્ત્રી ભક્તને ! !

વિષપાનથી પણ મીરાંનું મૃત્યુ ન થયું, ત્યારે રાણાજીએ ગામમાં ઢંઢેરો પિટાવ્યો કે, “જે કોઈ સાધુસંત મીરાંના મહેલમાં જશે, તેને મારી નાખવામાં આવશે.”

મીરાં ઘણી વાર એકલી બેસીને ઊંચે સ્વરે પ્રભુની પ્રાર્થના કર્યા કરતી હતી. પહેરાવાળાઓએ એક દિવસ સાંભળ્યુ કે, મીરાં કોઈની સાથે ઘરમાં વાતચીત કરી રહી છે. તેમણે જઈને રાણાજીને ખબર આપી કે, “માતાજી કમાડ બંધ કરીને કોઈની સાથે વાત કરી રહ્યાં છે.”

રાણાજી લાલચોળ આંખો કરીને મીરાંના મહેલ તરફ ગયા. રાણાજીના હાથમાંની તલવાર સૂર્યના પ્રકાશમાં ઝગઝગ થઈ રહી હતી. રાણાએ બારણા આગળ જઈને ગર્જના કરીને મીરાંને કહ્યું: “તું છાનીમાની કોની સાથે વાતચીત કરી રહી છે? ઝટ બોલ, નહિતર જાનથી મારી નાખીશ.” મીરાંએ કમાડ ઉઘાડ્યાં. તેના ચહેરા ઉપર ભયની એક પણ રેખા નહોતી. તેની આંખમાં ઈશ્વરપ્રેમનું ઉજ્જવલ તેજ હતું. તેણે ધૈર્યપૂર્વક ઉત્તર આપ્યોઃ “હું ભગવાનની સાથે વાત કરી રહી હતી. રાણા ગર્જના કરીને બોલી ઊઠ્યા: “ક્યાં છે તારો ભગવાન? એકદમ કહી દે.” મીરાંએ ઉત્તર આપ્યો “આ મારી સન્મુખ ઊભા છે. મારા હૃદયની અંદ૨ તેમજ બહાર સર્વત્ર એ જ વસી રહ્યા છે.” મીરાંનો દૃઢ વિશ્વાસ જોઈને રાણા પણ સ્તંભિત થઈ ગયા અને નીચે મોંએ પોતાના મહેલમાં પાછા ગયા.

આખરે રાણાજીના ત્રાસથી કંટાળીને મીરાંબાઈ યાત્રા કરવા નીકળી પડી, મથુરાં, વૃંદાવન આદિ તીર્થોની યાત્રા કરતી કરતી એ દ્વારિકા નગરીમાં પહોંચી, રાણાજીએ પાછળથી મીરાંને તેડી લાવવા સારુ માણસો મોકલ્યાં હતાં. પોતાના રક્ષણનો બીજો કોઈ ઉપાય ન સૂઝવાથી, મીરાંબાઈ ગભરાતી ગભરાતી ઇષ્ટદેવ રણછોડજીના મંદિરમાં પેસી ગઈ અને સાષ્ટાંગ પ્રણામ કરીને પ્રાર્થના કરવા લાગી: “હે નાથ, દીનાનાથ, કૃપાળુ, ભક્તવત્સલ, અંતર્યામિ, દુ:ખભંજન, ભગવાન મારું રક્ષણ કરો. આ દુષ્ટોના