પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૩
અવંતિસુંદરી

 કાવ્યની ચોરી ઉપર રાજશેખરે ઘણું લખ્યું છે. અંતે સિદ્ધાંત કર્યો છે કે, “ન તો વાણિયા ચોરી કર્યા વગર રહે છે, ન તો કવિ. જેને છાનું રાખતાં આવડે છે તે બદનામ થયા વગર મજા કરે છે.

“नास्त्यचौरः कविजनो नास्त्यचौरो वणिकजनः ।
स नंदति विना वाच्यं वो जानाति निगृहितुम् ॥”

આ વિષયમાં પૂર્વ પક્ષ એવો રાખ્યો છે કે ચોરી ન શીખવવી જોઈએ, કેમકે વખત વીતતાં મનુષ્યની બીજી ચોરીઓ તો જતી રહે છે, પણ વાક્‌ચૌર્ય–કવિતા કે લખાણની ચોરી–પુત્રપૌત્રો સુધી પણ મટતી નથી.

એના ઉપર અવંતિસુંદરી કહે છે કે, “આ (બીજા કવિ) ની પ્રસિદ્ધિ નથી, મારી છે; એની પ્રતિષ્ઠા નથી, મારી છે; એનું વસ્તુ ક્રમ વગરનું છે, મારું ક્રમપૂર્વક છે; એનાં વચન ગળોના જેવાં, મારાં દ્રાક્ષનાં જેવાં છે; એ ખાસ ભાષાનો આદર નથી કરતો, હું કરૂં છું; એની રચનાને ઓળખનારા મરી ગયા, એનો કર્તા દૂર દેશાવરમાં રહે છે, ઇત્યાદિ કારણોને લીધે લોકો શબ્દ કે અર્થને ચોરવામાં મનને પરોવે છે.”

અવંતિસુંદરીએ પ્રાકૃત કવિતામાં આવનાર દેશી શબ્દોનો એક કોષ બનાવ્યો અને એમાં પ્રત્યેક શબ્દોનો પ્રયોગ બતાવવા પોતાનું રચેલું ઉદાહરણ આપ્યું. શ્રી હેમચંદ્રાચાર્યે પોતાની દેશી નામમાલામાં બે જગ્યાએ અવંતિસુંદરીના મતભેદનો ઉલ્લેખ કરીને તેની ઉદાહરણોવાળી કવિતાને ઉતારી છે.

અવંતિસુંદરી જેવી પ્રૌઢ અને વિદુષી પત્નીના પતિના સ્ત્રીકેળવણી સંબંધમાં કેવા વિચાર હશે ? સાંભળો. એ કાવ્યમીમાંસામાં પૃ. ૪૩ મે લખે છેઃ “પુરુષોની પેઠે સ્ત્રીઓ પણ કવિ બનો. સંસ્કાર તો આત્મામાં છે. એ સ્ત્રી કે પુરુષના ભેદની પરવા નથી કરતા. રાજાઓ અને મંત્રીઓની કન્યાઓ, વેશ્યાઓ, કૌતુકીઓની સ્ત્રીઓ, શાસ્ત્રોમાં પારંગત બુદ્ધિવાળી અને કવિ જોવામાં તેમજ સાંભળવામાં આવી છે.” *[૧]


  1. *નાગરીપ્રચારિણી–પત્રિકા, ભા. ૨, અં. ૧ માં સ્વર્ગસ્થ પંડિતશ્રી ચંદ્રધરશર્મા મુલેરી બી. એ., ના લેખ ઉપરથી,