પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१०७-नर्मदा

પ્રસિદ્ધ ભોજરાજાના સમયમાં ધારાનગરીમાં એક સુશર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. એ સદા ઈશ્વરભક્તિમાં લીન રહેતો હતો. પરોપકારને માટે તેનું મન સમુદ્રની પેઠે ઉછાળા મારતું હતું; પરંતુ એની પાસે પોતાની ઈચ્છા પૂર્ણ કરવા જેટલું ધન નહિ હોવાથી મનના તરંગો મનમાં જ સમાવવા પડતા, છતાં પણ પોતાની શક્તિ મુજબ પુણ્ચદાન કરવાનું એ ચૂકતો નહિ. વિધાતાએ સદ્‌ભાગ્યે એક ઘણી સુશીલ અને દયાળુ સ્ત્રી સાથે તેનું પાનું પાડ્યું હતું. તેની સ્ત્રીનું નામ નર્મદા હતું. નર્મદા ઘણી પતિવ્રતા હતી. એ કદી પરપુરુષનું મોં જોતી નહિ. પરપુરુષને તો એ પ્રચંડ અગ્નિ સમાન ગણતી, કે જેની પાસે જવાથીજ શરીરમાં બળતરા ઉત્પન્ન થાય છે, તો તેને સ્પર્શ કરવાની તો વાત જ શી? નર્મદા હંમેશાં પતિના ઉઠતાં પહેલાં ઊઠી સ્નાન કરતી તથા સ્વચ્છ વસ્ત્ર પહેરીને ગીતાનો પાઠ તથા ભગવદ્‌ભજન કરતી. પતિના ઉઠ્યા પછી એ તેને ગરમ પાણીથી સ્નાન કરાવતી, તેનાં વસ્ત્ર ધોઈને સ્વચ્છ કરતી, તેના પૂજાપાઠ તથા અગ્નિ હોમની સામગ્રી તૈયાર કરતી; અને બીજી સર્વ રીતે તનમનધનથી પતિની સેવામાં તત્પર રહેતી. સુશર્મા કોઈ દિવસ કોઈની પાસે યાચના કરવા જતો નહોતો. દક્ષિણા લેવી એ તેને ઝેરના કરતાં પણ વધારે કડવું લાગતું હતું; એટલા માટે વગર માગ્યેજ જે કાંઈ ઘેર બેઠે મળી જતું તેટલા ઉપર સંતોષ માનીને પતિપત્ની આનંદમાં ગુજરાન ચલાવતાં હતાં.

ભોજરાજા ઘણો દાની, ગુણી તથા ધાર્મિક હતો. તેણે પોતાના આખા રાજ્યમાં કોઈને મૂર્ખ અને અભણ રહેવા નહોતો દીધો. દાન અને વિદ્યાદ્વારા તેણે પ્રજાને સુપંડિત અને અવાચક બનાવી દીધી હતી. એક દિવસ તેણે કવિ કાલીદાસને મોંએ પંડિત સુશર્માની પત્ની નર્મદાના સતીત્વ અને પવિત્રત્યની પ્રશંસા સાંભળી.

૨૧૬