પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૭
નર્મદા

 સતી નર્મદાના સતીત્વની પરીક્ષા કરવાના ઇરાદાથી રાજા ભોજે દ્રવ્ય આપીને લલચાવવા સારૂ પંડિત સુશર્માને બોલાવ્યો. સુશર્મા જે વખતે રાજા ભોજ પાસે જવા લાગ્યો, તે વખતે નર્મદાએ તેને હાથ જોડીને કહ્યું: “મહારાજ ! રાજા ભોજ મોટા દાની છે. એ કદાચ તમને દ્રવ્ય આપવા માંડે તો તમે લેશો નહિ; કારણકે દાન લેવાથી આપના તપમાં ભંગ પડી જશે. ભૂખે મરી જવાય તો ભલે, પણ દાન લેવું એ તે ગેરવાજબી છે.”

સુશર્મા પણ નિર્લોભી હતો. એ રાજાની સભામાં જઈને ઊભો રહ્યો એટલે રાજાએ તેનો ઘણો આદરસત્કાર કર્યો તથા વિધિપૂર્વક તેનું પૂજન કરીને ચરણોદક પીધું. પછીથી હજારો મહોરો મંગાવીને બ્રાહ્મણને અર્પણ કરી. બ્રાહ્મણે સંતુષ્ટ થઈ રાજાને આશીર્વાદ આપ્યો તથા વિનયપૂર્વક કહ્યું: “પૃથ્વીનાથ ! આજે આપની બ્રાહ્મણો ઉપરની ભક્તિત જોઈને હું પ્રસન્ન થયો છું. ઇશ્વર આપને ચિરંજીવ કરે એજ મારો ખરો અંતઃકરણનો આશીર્વાદ છે; પરંતુ આ ધનની મારે કાંઈ પણ જરૂર નથી. ધન તો રાજાઓની પાસેજ શોભે છે. હું એક દીન–દરિદ્ર બ્રાહ્મણ છું. અમારે માટે તો તપ એજ અખૂટ ધન છે અને એ તપદ્વારાજ અમારૂં પાલન થાય છે. મારે લાયક કંઈ કામકાજ હોય તો ફરમાવો.”

એટલું કહીને બ્રાહ્મણ સુશર્મા ત્યાંથી ચાલ્યો ગયો. આ પ્રયત્નમાં સફળ નહિ થવાથી ભોજરાજાએ બીજી યુક્તિ રચી. જે વખતે બ્રાહ્મણ સુશર્મા દેવમંદિરમાં દર્શન કરવા ગયો હતો તે વખતે સાધુનો વેશ ધારણ કરીને રાજા એને ઘેર પહોંચ્યો અને બારણા આગળ ઊભો રહી ‘भवति भिक्षां देहि’ની બૂમ પાડી. નર્મદા કદી કોઈ પરપુરુષ સાથે બોલતી નહોતી, પણ સાધુસંત ઉપર તેની પૂર્ણ ભક્તિ હતી, વળી અતિથિ–અભ્યાગતનો સત્કાર કરવો એ આર્ય લલનાઓનું પ્રથમ કર્તવ્ય છે, એ વાત નર્મદા સારી પેઠે જાણતી હતી, એટલે સાધુનો અવાજ સાંભળીને એ તુરત મૂઠી આટો લઈને બહાર આવી; પરંતુ સાધુરૂપ ભોજરાજાને તો એની પરીક્ષા કરવી હતી, એટલે તેણે લોટ લેવાની ના કહી અને ભોજન કરવાની ઇચ્છા પ્રગટ કરી. જો કે એ વખતે ઘરમાં ધણીધણિયાણી બેને ખાવા જેટલું જ ધાન્ય હતું, તોપણ સતી નર્મદાએ પોતાના ભાગનું ધાન્ય રાંધીને સાધુને હાથપગ ધોવરાવીને