પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
૩૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


ઈશ્વરની કૃપાથી અગ્નિ એકદમ શાંત થઈ ગયો અને તેનો પુત્ર હસતોરમતો માતાના ખોળામાં આવીને બેઠો. ભોજરાજા આ વખતે નગરચર્ચા જોવા નીકળ્યો હતો. તે કમાડનાં છિદ્રમાંથી આ બધું દૃશ્ય જોઈ રહ્યો હતો. આજનો દેખાવ જોઈને એ ઘણોજ આશ્ચર્ય પામ્યો અને સુલક્ષણાના સતીત્વની પ્રશંસા કરતો કરતો મહેલ તરફ ગયો ! ધન્ય છે એવી પતિવ્રતાઓને ! એમના સતીત્વના પ્રભાવથીજ ભારતવર્ષ હજુ પણ ટકી શક્યું છે.

११० – मारुला

સંસ્કૃત ભાષામાં કવિતા લખતી. એનો જીવનપરિચય પણ નથી મળતો; પરંતુ એનું નામ સંસ્કૃત ભાષાના અભ્યાસીઓમાં વધારે જાણીતું હોય એમ લાગે છે. શીલા ભટ્ટારિકા, વિજયિકા અને મોરિકાની સાથે એનું નામ ધનદેવના એક શ્લોકમાં ગવાયું છે. સુભાષિતાવલિમાં વિરહિણીના પ્રલાપના અર્થે મારુલાનો એક શ્લોક લેવામાં આવ્યો છે, તેનો ભાવાર્થ આ પ્રમાણે છે:–“ ‘હે સ્ત્રી ! તું દૂબળી શાથી થઈ છે ? મૂળે તો તારૂં શરીરજ એવું છે. ધુમાડા જેવી મેલી તું શાથી થઈ છે ?’ ‘સાસરે રાંધવાથી.’ ‘અમને શું તું કદી કદી સંભારે છે ?’ ‘નહિ નહિ.’ એમ બોલતાની સાથે જ તે બાળાને સ્મરોત્કમ્પ થયો અને મારી છાતી ઉપર પડતું મૂકીને તે ધ્રુસકે ધ્રુસકે રોઈ.”

એજ સંગ્રહની શૃંગાર પદ્ધતિમાં જે શ્લોક સ્થાન પામ્યો છે તેનો સારાંશ આ પ્રમાણે છે:—“ ‘હું જાઉં છું’ એવું કહેવા જોગ નિશ્ચય ભલે હૃદયમાં બંધાય, પરંતુ પ્રાણસમાન પ્રિયા સમક્ષ નિર્દયતાથી એવાં વચન બોલવાને કેવી રીતે શક્તિમાન થવાય ? તેમ છતાં ધારો કે, ‘હું જાઉં છું’ એ વચન ઉચ્ચાર્યું, પરંતુ તેનું અસ્ખલિત અતિશય આંસુઓથી ભરપૂર મુખ જોઈને, ‘અહો ! મારા જેવાની કિંચિત્ ધન મેળવવા પરદેશ જવાની સ્પૃહા ચાલી જાય છે, અર્થાત્‌ મને એ કારણે ઇચ્છા થતીજ નથી.’ ”

જલ્હણની સુભાષિત મુક્તાવલિમાં એક શ્લોક મારુલાનો છે.