પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



११५-मोरिका

મોરિકાના નામથી સુભાષિતાવલિ અને શારંગધર પદ્ધતિ બંને સંગ્રહોમાં ચાર કવિતા મળી આવે છે. તે ઉપરાંત એનાં કાવ્યોનો પત્તો નથી મળતો, તેમજ તેના જીવનનો કાંઈ વૃત્તાંત પણ જાણ્યામાં નથી આવ્યો. શારંગધરના ગ્રંથમાં કવિ ધનદેવનું એક કાવ્ય ટાંકવામાં આવ્યું છે. એમાં સ્ત્રી કવિઓની ગણતરી કરતાં મોરિકાનું પણ નામ આવ્યું છે.

शिलाविज्जामारुलामोरिकाद्या: काव्यं कर्तुं सन्नि विशा: स्त्रियोऽपि। विद्यां वेत्तुं निर्विजेतुं विश्वं वक्तुं य: प्रवीण: स वन्द्य: ॥

એ ઉપરથી જણાય છે કે મોરિકા કાવ્ય રચવામાં ઘણી કુશળ હોવી જોઈએ. એની કાવ્યરચનામાં શૃંગાર રસ છલોછલ ભરલો છે, એની કવિતા સાધારણ અને સારી છે. એકાદ નમૂનો જોઈએ:

यामीत्यध्यवसाय एव हृदये वध्नातु नामास्पदं
वक्तुं प्राणसमासमक्षमघृणेनेत्थं कथं सार्यते ।
उक्तं नाम तथापि निर्भरगलद्वाष्पं प्रियाया मुखं
दृष्ट्वाऽपि प्रवदन्त्यहो धनलवप्राप्तिस्पृहा माद्दशाः ॥

કોઈ પરદેશી કહી રહ્યો છે કે, પહેલાં તે ‘જાઉં છું’ એવું આગ્રહપૂર્વક કહેવાનું જ હૃદયમાં ગમે તેમ કરીને નક્કી કરું છું, પણ મારી પ્રાણસમાન પ્રિયા સમક્ષ જતાં એવાં વચન કેવી રીતે નીકળી શકે? જો કહી દઉં છું તો પ્રિયાની આંખોમાંથી વિયોગને લીધે આંસુઓની ધારા વહેવા લાગે છે, પરંતુ કરૂં શું? એને પણ જોઈને મારા જેવો નિર્ધન મનુષ્ય ધન કમાવાની લાલચથી પરદેશમાં જાય છે; નહિ તો પ્રિયાને દુખસાગરમાં છોડીને જવું એ કદી ન્યાયપૂર્વક વર્તન નથી.×[૧]


  1. × આ શ્લોકને પંડિત બલદેવ ઉપાધ્યાય, એમ. એ. મોરિકાનોને ગણે છે સ્વર્ગસ્થ સાક્ષરબંધુ રણજિતરામ વાવાભાઈ મહેતાએ એમના સંસ્કૃત કવયિત્રીઓના લેખમાં એ લેખને મારુલાનો ગણાવ્યો છે.
૨૨૮