પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

११६–विज्जका

સંસ્કૃત સાહિત્યમાં પ્રતિભાશાળી સ્ત્રીકવિઓમાં વિજ્જકાનું નામ ઘણું પ્રસિદ્ધ છે. એની રસભરી કવિતાનો સ્વાદ ચાખ્યાથી સહૃદય વાચકોના હૃદયમાં આનંદની લહરીઓ નાચવા લાગે છે. વાસ્તવમાં એનાં એ મીઠાં પદો ઉપરથી એની ઉજ્જવલ પ્રતિભાનો પરિચય મળી આવે છે. દિલગીરીની વાત એટલી છે કે એનાં બધાં કાવ્યો મળી આવતાં નથી. સંસ્કૃત કાવ્યના સંગ્રહરૂપ જે ગ્રંથોમાં એની કેટલીક કવિતાઓ સચવાઈ રહી છે, એ પ્રતિભાસંપન્ન સ્ત્રીકવિના જીવનની ઘટનાઓ પણ અભેદ્ય અંધકારના પડદામાં છૂપાઈ રહી છે.

એનું નામ અનેક પ્રકારે સંસ્કૃત સાહિત્યમાં મળી આવે છે, વિજ્જકા, વિજ્જાકા, વિદ્યા વગેરે, પણ એ બધાં વિજ્જકાનાં રૂપાંતર હોય એમ લાગે છે. વિજ્જકા પરમ વિદુષી હતી અને સંસ્કૃત ભાષામાં સારી કવિતા લખી શકતી. સાધારણ રીતે કવિઓમાં અહંકારની માત્રા અધિક હોય છે. પોતાની શક્તિ બીજા કરતાં વધારે સારી છે એવો એમને ફાંકો હોય છે. વિજ્જકા પણ એ દોષથી ખાલી નહોતી. શારંગધર પદ્ધતિમાં ટાંકેલા એક પદ્યમાં વિજ્જકાએ મહાકવિ દાણ્ડીની ઝાટકણી કાઢી છે. એ પ્રસિદ્ધ પદ્ય નીચે પ્રમાણે છેઃ

नीलोत्पलदलश्यामां विज्जकां मामजानता |
वृथैव दण्डिनी प्रोक्तं “सर्वशुक्ला सरस्वती” ॥

પદ્યનું ચોથું ચરણ કાવ્યાદર્શના મંગલાચરણશ્લોકનું પાદ છે. વિજ્જકા કહે છે કે, “ભૂરા કમળના પાંદડાના જેવા શ્યામ રંગવાળી મને જોયા વગરજ દણ્ડીએ નકામી સરસ્વતીને સર્વશુક્લા કહી છે.” આ અભિમાનના વચન ઉપરથી એના અસાધારણ પાંડિત્યની ખબર પડે છે અને તે સાથે એક ઐતિહાસિક વાત એ પણ જણાય છે કે વિજ્જકાનો જન્મ દણ્ડીની ૫છી થયેલો હોવો જોઈએ.

૨૩૦